રિપોર્ટ@દેશ: વિપક્ષ-NDAના સાથી પક્ષોના દબાણ સામે સરકાર ઝૂકી, લેટરલ એન્ટ્રી દ્વારા ભરતી રદ કરવાનો નિર્ણય
લેટરલ એન્ટ્રી દ્વારા ભરતીના મુદ્દે જેડીયુ અને એલજેપી બંનેએ વિરોધ કર્યો હતો.
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મોદી સરકારે વિરોધ પક્ષો અને એનડીએના જ સાથી પક્ષોના દબાણ સામે ઘૂંટણ ટેકવીને લેટરલ એન્ટ્રી દ્વારા ભરતી રદ કરવાનો નિર્ણય લેવો પડ્યો છે. આ સાથે સરકારે રાજકીય શરણાગતિની હેટ્રિક પૂરી કરી છે કેમ કે છેલ્લાં એક પખવાડિયામાં સરકારે ત્રીજી વાર રાજકીય મોરચે મોટી પીછેહઠ કરવી પડી છે.રાહુલ ગાંધી મોદી સરકારને ભીંસમાં મૂકતા એક પછી એક મુદ્દા ઉભા કરીને વિપક્ષના નેતાની ભૂમિકા અસરકારક રીતે ભજવી રહ્યા હોવાની છાપ મજબૂત થઈ રહી છે.
આ પહેલાં સરકારે વકફ એક્ટમાં સુધારાનો ખરડો જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીને સોંપવાની ફરજ પડી હતી. સરકારે મોટા ઉપાડે 8 ઓગસ્ટે લોકસભામાં વકફ એમેન્ડમેન્ટ એક્ટ રજૂ તો કરી દીધો પણ વક્ફ એક્ટમાં સુધારાની હિલચાલ સામે પણ ભાજપના સાથી પક્ષોએ જ વાંધો લેતાં દસ વર્ષના શાસનમાં સરકારે પહેલી વાર કોઈ ખરડો જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીને સોંપવો પડ્યો હતો. ભાજપે વકફ એક્ટમાં સુધારાને મુદ્દે કરેલી પીછેહઠના કારણે હિંદુવાદીઓ નારાજ છે.મોદી સરકારે એ પછી મીડિયાને નાથવા માટે સોશિયલ બનાવેલું બ્રોડકાસ્ટિંગ બિલ વિપક્ષો અને સાથી પક્ષોના દબાણ બેઠળ પાછું ખેચવું પડ્યું હતું.
વિપક્ષો પણ આ મુદ્દે લડાયક મૂડમાં હોવાથી સરકારે શરણાગતિ સ્વીકારવી પડી હતી. સરકારે બ્રોડકાસ્ટિંગ બિલનો નવો મુસદ્દો બહાર પાડવાની જાહેરાત કરી છે પણ નવા ખરડામાં સોશિયલ મીડિયાને નાથવા માટેની જૂની જોગવાઈઓ નહીં હોય એ સ્પષ્ટ છે.હવે લેટરલ એન્ટ્રી દ્વારા ભરતીની જાહેરખબર પ્રસિધ્ધ થયાના ત્રણ દિવસમાં જ ભરતી રદ કરવાનો નિર્ણય લઈને સરકારે હેટ્રિક કરી નાંખી છે. લેટરલ એન્ટ્રી દ્વારા ભરતી રદ કરવાનો નિર્ણય લેવો પડયો એ મોદી સરકાર માટે મોટી લપડાક છે કેમ કે 2018થી થતી લેટરલ એન્ટ્રી ભરતીનો બહુ વિરોધ થયો હતો.