રીપોર્ટ@દેશ: અયોધ્યામાં ભવ્ય દીપોત્સવનું આયોજન, 56 ઘાટ પર પ્રગટશે 30 લાખથી વધુ દીવા

 
કાર્યક્રમ
આ અદભુત નજારો સમગ્ર અયોધ્યાને પ્રકાશમય બનાવી દેશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે નરક ચતુર્દશીના પવિત્ર અવસરે ભગવાન શ્રીરામની નગરી અયોધ્યામાં ભવ્ય દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય ઉજવણી માટે સમગ્ર અયોધ્યા ધામને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. સરયૂ નદીના તમામ 56 ઘાટ પર દીવાઓની આકર્ષક સજાવટ કરવામાં આવી છે. રંગબેરંગી રોશનીથી અયોધ્યા ઝળહળી ઊઠી છે. શહેરના વિવિધ સ્થળોએ લગાવવામાં આવેલી 3D સ્ક્રીન પર રામાયણનાં મુખ્ય પ્રસંગોને જીવંત સ્વરૂપે રજૂ કરવામાં આવ્યા છે. આ ભવ્ય આયોજનને નિહાળવા માટે દેશભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ અયોધ્યા પહોંચી રહ્યા છે. આજના દીપોત્સવમાં ભાગ લેવા માટે દેશના ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન અયોધ્યા આવી રહ્યા છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેમની હાજરીમાં દીપોત્સવની ઉજવણી વધુ ભવ્ય બનશે.

ભગવાન શ્રીરામની નગરી અયોધ્યામાં આ વખતે દીપોત્સવ દરમિયાન નવો રેકોર્ડ બનાવવાની તૈયારીઓ કરવામાં આવી છે. રામ કી પૈડી સહિત સરયૂ નદીના 56 ઘાટ પર 30 લાખથી વધુ દીવાઓ પ્રગટાવવામાં આવશે. આ અદભુત નજારો સમગ્ર અયોધ્યાને પ્રકાશમય બનાવી દેશે.આ ઉપરાંત સરયૂ નદીના કિનારે 2,100 બટુકો દ્વારા ભવ્ય મહાઆરતી કરવામાં આવશે. આ કાર્યક્રમનું એક ખાસ આકર્ષણ 2,100 ડ્રોનની મદદથી રજૂ થનારો રામાયણ આધારિત વિશેષ કાર્યક્રમ રહેશે. આકાશમાં ડ્રોનની મદદથી રામાયણના વિવિધ પ્રસંગો અને ભગવાન શ્રીરામના જીવન સાથે જોડાયેલી ઘટનાઓને અદભુત રીતે રજૂ કરવામાં આવશે. આ વખતે અયોધ્યામાં દસમા દીપોત્સવનું આયોજન થઈ રહ્યું છે. આ માટે શહેરને આકર્ષક લાઇટિંગ, રંગબેરંગી સજાવટ અને રામાયણના પ્રસંગોથી શણગારવામાં આવ્યું છે.

દીપોત્સવના કાર્યક્રમની શરૂઆત સવારે 10 વાગ્યે સાકેત ડિગ્રી કોલેજથી નીકળનારી ભવ્ય ઝાંખીથી થશે. આ ઝાંખી બપોરે 2 વાગ્યા સુધીમાં રામકથા પાર્ક પહોંચશે.બપોરે 2:15 વાગ્યે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યા એરપોર્ટ પહોંચશે, જ્યારે બપોરે 2:30 વાગ્યે ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન અયોધ્યા આવશે. ત્યારબાદ મુખ્યમંત્રી અને ઉપરાષ્ટ્રપતિ રામમંદિરમાં ભગવાન શ્રીરામનાં દર્શન કરશે.બપોરે 3:25થી 3:40 વાગ્યાની વચ્ચે ભગવાન શ્રીરામ અને માતા સીતાનું સ્વરૂપ ધારણ કરેલા કલાકારો હેલિકોપ્ટર દ્વારા રામકથા પાર્ક પહોંચશે. અહીં ભરત મિલાપનો ભવ્ય કાર્યક્રમ યોજાશે.

બપોરે 3:50થી 4:10 વાગ્યા દરમિયાન રામકથા પાર્કમાં ભગવાન શ્રીરામ અને માતા જાનકીની પૂજા, વંદન તથા આરતી કરવામાં આવશે. ત્યારબાદ ભગવાન શ્રીરામનો પ્રતીકાત્મક રાજ્યાભિષેક યોજાશે. સાંજે 4:25થી 4:40 વાગ્યા દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સંબોધન કરશે.સાંજે 5:35થી 5:55 વાગ્યા દરમિયાન નવા ઘાટ પર સરયૂ આરતી યોજાશે. ત્યારબાદ સાંજે 6થી 6:25 વાગ્યા દરમિયાન રામ કી પૈડી પર દીપ પ્રાગટ્ય કરવામાં આવશે.સાંજે 6:25થી 6:55 વાગ્યા દરમિયાન 3D પ્રોજેક્શન મેપિંગ, રામાયણ આધારિત લેસર શો અને ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 6:55થી 7:05 વાગ્યા દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રામ કી પૈડી પર સંબોધન કરશે. ત્યારબાદ રાત્રે 7:40થી 7:50 વાગ્યા દરમિયાન ભવ્ય આતશબાજી કરવામાં આવશે.

દીપોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહેવાના હોવાથી અયોધ્યામાં સુરક્ષાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર અયોધ્યાને સુરક્ષાની દૃષ્ટિએ 20 ઝોન અને 53 સેક્ટરમાં વહેંચવામાં આવી છે. શહેરમાં પોલીસ, સીઆરપીએફ, પીએસી, બોમ્બ સ્ક્વોડ અને અગ્નિશમન વિભાગની ટીમોને તહેનાત કરવામાં આવી છે. દરેક મહત્વપૂર્ણ સ્થળે સુરક્ષા કર્મચારીઓ સતત નજર રાખી રહ્યા છે.