રીપોર્ટ@દેશ: મોદી કેબિનેટની બેઠકમાં વિકાસના 4 મોટા પ્રોજેક્ટને લીલી ઝંડી
અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પીએમ નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં બુધવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને વેગ આપતા અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ નિર્ણયોની માહિતી આપી હતી. તેમાં આસામમાં નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ, બાંધકામ મશીનોના ઉત્પાદન માટે રૂ.11,000 કરોડની યોજના અને પોર્ટના વિસ્તરણ સહિતના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.કેબિનેટે આસામના સિલચર નજીક ડોલુમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવાની મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ પાછળ રૂ.2,014 કરોડનો ખર્ચ થશે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પોતાના આંતરિક સંસાધનોમાંથી આ ખર્ચ ઉઠાવશે.
આ એરપોર્ટમાં 12,351 ચોરસ મીટરની ટર્મિનલ બિલ્ડિંગ અને 2,705 મીટર લાંબો રનવે બનાવવામાં આવશે. એરપોર્ટ દર વર્ષે 10.1 લાખ મુસાફરોને હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવશે. તે મિઝોરમ, ત્રિપુરા, નાગાલેન્ડ અને મણિપુર માટે પણ કનેક્ટિવિટીનું મહત્ત્વપૂર્ણ કેન્દ્ર બનશે.ભારતને બાંધકામ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર મશીનોનું મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા કેબિનેટે રૂ.11,000 કરોડની યોજનાને મંજૂરી આપી છે. આઠ વર્ષ માટેની આ યોજના હેઠળ ક્રેન, બુલડોઝર, એક્સકેવેટર, ટનલ બોરિંગ મશીન અને ડ્રિલિંગ મશીનોનું સ્થાનિક ઉત્પાદન વધારવામાં આવશે. કામરાજાર પોર્ટ પર બીજા કન્ટેનર ટર્મિનલના વિકાસને પણ મંજૂરી મળી છે. રૂ.4,288.26 કરોડના ખર્ચે 900 મીટર લાંબું ટર્મિનલ બનાવાશે. તેની વાર્ષિક ક્ષમતા 20 લાખ TEU રહેશે.કેબિનેટે રૂ.1,141 કરોડની પોસ્ટલ ઓપરેશન્સ સ્કીમ અને રૂ.1,491 કરોડની એસ્ટેટ્સ મેનેજમેન્ટ સ્કીમ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. આ યોજનાઓથી ડાક સેવાઓનું આધુનિકીકરણ, પાર્સલ વ્યવસ્થા અને ગ્રામીણ વિસ્તારોમાં કનેક્ટિવિટી મજબૂત બનશે.

