રાજકારણ@દેશ: આજે NDA સંસદીય દળની મહત્વપૂર્ણ બેઠક, કયા મુદ્દા પર થશે ચર્ચા? જાણો

 
બેઠક
બેઠકની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે સંસદ ભવનમાં NDA સંસદીય દળની મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. સવારે 9:30 વાગ્યે શરૂ થનારી આ બેઠકને 'મંગલ મિલન' નામ આપવામાં આવ્યું છે. બેઠકમાં વડાપ્રધાન મોદી એનડીએના તમામ સાંસદોને સંબોધશે અને વર્તમાન રાજકીય તેમજ સંસદીય મુદ્દાઓ પર માર્ગદર્શન આપશે.સંસદના ચાલુ સત્ર વચ્ચે આજે એનડીએ સંસદીય દળની મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે.સવારે યોજાનારી આ બેઠકની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરશે. બેઠકમાં સંસદ સત્ર દરમિયાન સરકારની રણનીતિ, વિપક્ષના હુમલાઓનો જવાબ અને વિવિધ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

બેઠકમાં ખાસ કરીને NEET પરીક્ષા મુદ્દે સરકારનું વલણ, સંસદમાં રજૂ કરવાના તર્ક તેમજ વિપક્ષના પ્રશ્નોના અસરકારક જવાબ અંગે સાંસદોને માર્ગદર્શન આપવામાં આવી શકે છે. ઉપરાંત, સંસદમાં સરકારનો પક્ષ વધુ મજબૂતીથી રજૂ કરવા માટે સાંસદોને જરૂરી સૂચનો અને નિર્દેશ પણ આપવામાં આવે તેવી શક્યતા છે.આ બેઠકમાં હાલના રાજકીય અને સંસદીય મુદ્દાઓ ઉપરાંત આગામી દિવસોની કાર્યયોજના પર પણ ચર્ચા થશે. સંસદ સત્રને સુચારૂ રીતે આગળ વધારવા અને સરકારના એજન્ડાને અસરકારક રીતે રજૂ કરવા માટે આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

આ બેઠક દરમિયાન સંસદના ચાલુ સત્રની કામગીરી, સરકારના મહત્વપૂર્ણ વિધેયકો, આગામી રાજકીય વ્યૂહરચના તેમજ જનહિતના વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થવાની સંભાવના છે. NDAના તમામ લોકસભા અને રાજ્યસભાના સાંસદો બેઠકમાં હાજરી આપશે. વડાપ્રધાન મોદી પોતાના સંબોધનમાં સરકારના વિકાસકાર્યો, સંસદીય શિસ્ત, જનસંપર્ક અને આગામી કાર્યક્રમોને લઈને પણ મહત્વપૂર્ણ સંદેશ આપી શકે છે.