રીપોર્ટ@દેશ: નેપાળના વિકાસ માટે ભારતે 24 હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
PM નરેન્દ્ર મોદી અને નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહે સોમવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા અયોધ્યા અને જનકપુર વચ્ચે દોડનારી 'સરયુ-કમલા એક્સપ્રેસ'ને લીલી ઝંડી આપી હતી. ભગવાન રામના જન્મસ્થળ અયોધ્યા અને માતા સીતાના જન્મસ્થળ જનકપુરને જોડતી આ ટ્રેનના ઉદ્ઘાટન પ્રસંગે PM મોદીએ નેપાળ માટે 24 હજાર કરોડ નેપાળી રૂપિયાના વિકાસ સહયોગ પેકેજની જાહેરાત કરી હતી.આ ઉપરાંત નેપાળમાં IITનું ઓફશોર કેમ્પસ સ્થાપિત કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.ટ્રેનના ઉદ્ઘાટન બાદ PM મોદીએ કહ્યું કે ભારત અને નેપાળ વચ્ચેનો સંબંધ માત્ર પડોશી દેશો પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે નિકટતા અને અતૂટ વિશ્વાસ પર આધારિત છે. બંને દેશો એકબીજાના સુખ અને પડકારોમાં સહભાગી બને છે તથા એકબીજાની પ્રગતિમાં ભાગીદાર છે.
તેમણે ઓગસ્ટમાં નેપાળમાં આવેલા વિનાશક પૂરને કારણે થયેલી જાનહાનિ અંગે સંવેદના વ્યક્ત કરી હતી. સાથે જ નેપાળના પુનર્નિર્માણ અને લાંબા ગાળાના વિકાસને વેગ આપવા માટે 24 હજાર કરોડ નેપાળી રૂપિયાના વિકાસ સહયોગ પેકેજની જાહેરાત કરી હતી.PM મોદીએ કહ્યું કે ભારત અને નેપાળના સંબંધો સહિયારા ઇતિહાસ, શ્રદ્ધા, સંસ્કૃતિ અને બંને દેશોના લોકો વચ્ચેના ઊંડા સંબંધોથી જોડાયેલા છે. ભગવાન રામ અને માતા સીતા બંને દેશોની સહિયારી સભ્યતા અને શ્રદ્ધાનાં પ્રતીક છે.તેમણે વધુમાં જણાવ્યું કે ભારત ઘણા વર્ષોથી નેપાળને પેટ્રોલિયમ ઉત્પાદનો અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો વિશ્વસનીય પુરવઠો પૂરો પાડે છે. ભારતની ‘નેબરહુડ ફર્સ્ટ’ નીતિ હેઠળ આ વર્ષે તેલ પુરવઠા સંબંધિત ગંભીર પડકારો છતાં નેપાળને ઇંધણ, ખાતર અને અન્ય જરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો જાળવી રાખવામાં આવ્યો છે.
PM મોદીએ નેપાળમાં શિક્ષણ, ટેક્નોલોજી અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે અનેક પહેલની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે નેપાળમાં સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેટર, ઇનોવેશન હબ અને IITનું ઓફશોર કેમ્પસ સ્થાપિત કરવામાં આવશે.આ ઉપરાંત નેપાળી વિદ્યાર્થીઓ માટે ભારતમાં કાયદા અને ટેક્નોલોજીના અભ્યાસમાં શિષ્યવૃત્તિની તકોનો વિસ્તાર કરવામાં આવશે. બંને દેશો નેપાળમાં ખાદ્ય પ્રક્રિયા અને કૃષિ ઉત્પાદનોના મૂલ્યવર્ધનને પ્રોત્સાહન આપવા માટે કૃષિ-ઔદ્યોગિક પાર્ક વિકસાવવામાં પણ સહયોગ કરશે.

