વિવાદ@દેશ: કંગના રણૌતે પ્રદર્શન કરી રહેલી મહલાઓને 'ગટર જનરેશન' ગણાવતા હોબાળો

 
કંગાણા
માતા-પિતાની કમાણી પર જીવતા યુવાનોની પણ ટીકા કરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભાજપ સાંસદ કંગના રણૌતે જંતર મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહેલી પ્રદર્શનકારીઓનને 'ગટર જનરેશન' ગણાવતા મોટો વિવાદ સર્જાયો છે. કંગના રણૌતે સોશિયલ મીડિયા સ્ટોરી શેર કરીને આજની પેઢી પર આકરા પ્રહાર કર્યા છે. આ નિવેદનો બદલ તેમણે ભારે વિરોધ અને આકરી પ્રતિક્રિયાનો સામનો કરવો પડી રહ્યો છે.

અભિનેત્રી અને સાંસદે પોતાની એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લાંબી પોસ્ટ શેર કરીને આજના યુવાનોની આકરા શબ્દોમાં ટીકા કરી છે.તેમણે લખ્યું છે કે, 'સૌથી વધુ આઘાતજનક વર્તન એ યુવાન હિંદુ યુવતીઓનું છે, જેઓ પોતે સ્વતંત્રતા મેળવ્યા કે કમાયા વિના જ આત્મનિર્ભર કરિયર વિમેનની નકલ કરવા માંગે છે. જે મહિલાઓ વાસ્તવમાં આત્મનિર્ભર છે, તેઓ બોલ્ડ વિચારો રાખે છે, બળવાખોર નિર્ણયો લે છે, અપ્રચલિત કરિયરના વિકલ્પો પસંદ કરે છે અને પોતાના દરેક કામની જવાબદારી જાતે સ્વીકારે છે.'

તેમણે આગળ ઉમેર્યું કે, 'આત્મનિર્ભર મહિલાઓએ આ બધું એટલા માટે કરવું પડે છે કારણ કે તેઓ પોતાના દમ પર જીવે છે, પોતાના માતા-પિતા કે પરિવારના ભોગે નહીં. પશ્ચિમી સંસ્કૃતિથી પ્રભાવિત કહેવાતી ભારતીય મહિલાઓની આ એક નવી પેઢી તૈયાર થઈ છે, જેને હું 'જનરેશન ગટર' કહું છું.'તેમણ પ્રદર્શનકારીઓના ઉછેર અને સંસ્કારો પર સવાલો ઉઠાવતા લખ્યું કે, મેં જીવનમાં ક્યારેય આટલું અજીબ અને ભદ્દુ વર્તન નથી જોયું. Gen-Z દ્વારા વાપરવામાં આવી રહેલી ભાષા અત્યંત અસભ્ય છે. તેમણે સવાલ કર્યો કે આ લોકોને કોણે જન્મ આપ્યો છે અને કોણ ઉછેરી રહ્યું છે? ભારત હંમેશાથી પોતાની સંસ્કૃતિ અને શાલીનતા માટે જાણીતું છે, પરંતુ આવા વર્તનથી દેશની ગરિમાને નુકસાન પહોંચે છે.

કોકરોચ પાર્ટીએ જંતર મંતર પર શરૂ કરેલા આંદોલનનો કંગના રણૌતે શરૂઆતથી જ આક્રમક વિરોધ કર્યો હતો. આ સાથે જ તેણે માતા પિતાની કમાણી પર જીવતા યુવાનોની પણ ટીકા કરી છે. આ અંગે સાંસદે લખ્યું હતું કે, 'આ આંદોલનકારીઓમાંથી કોઈ પાસે સિસ્ટમને આપવા માટે કંઈ નથી; તેઓ ભણવામાં સારા નથી, પરંતુ ઘર સંભાળવા (ગૃહિણી બનવા માટે પણ સારા નથી. આમ છતાં, તેઓ ડ્રગ્સ લેવાની, દારૂ પીવાની કે અસંખ્ય લોકો સાથે શારીરિક સંબંધો રાખવાની પોતાની સ્વતંત્રતાનો બેશરમીથી દેખાડો કરે છે અને શરમ વગર પોતાના માતા-પિતાની કમાણી પર નભે છે.'કંગના આટલેથી અટક્યા ન હતા. તેમણે લખ્યું હતું કે, 'આ પ્રકારના લોકો હકીકતમાં સ્વતંત્ર બન્યા વગર સતત મુક્ત જીવન માટે લડ્યા કરે છે. એક નાની યાદ અપાવી દઉં, મુક્ત જીવન કમાવવું પડે છે. જો તમે જવાબદારી વિના મુક્ત જીવન જીવવાનો પ્રયાસ કરો છો, તો તમે માત્ર એક બગડેલી વ્યક્તિ છો, ગટર છાપ.'

આ ટિપ્પણીઓ ઝડપથી વાઇરલ થઈ ગઈ હતી અને તેની ભારે ટીકા થઈ હતી. જો કે, કેટલાક લોકોએ કંગના રણૌતનું સમર્થન પણ કર્યું છે. કેટલાક લોકોએ ભાજપના સાંસદ હોવાના નાતે બેવડા ધોરણોનો આરોપ લગાવ્યો હતો અને વિવાદાસ્પદ નિવેદનો આપવાના તેમના ઈતિહાસ તરફ ધ્યાન દોર્યું હતું.આ અંગે કોંગ્રેસ સાંસદ ગુરજીત સિંહ ઔજલાએ કહ્યું કે, 'તેઓ ભારતના લોકો, દેશ કે તેના નાગરિકો પ્રત્યે ગંભીર નથી' તો કોંગ્રેસ સાંસદ સુખદેવ ભગતે કહ્યું કે, 'તેમની રાજકીય ટિપ્પણીઓ અંગે હું ચોક્કસપણે બે બાબતો કહેવા માંગુ છું, કંગના રણૌતને કોઈ ગંભીરતાથી લેતું નથી. આ જ કારણ છે કે તે શરૂઆતથી જ મજાકનું પાત્ર બની રહી છે.'