રીપોર્ટ@દેશ: ગુજરાતીઓને 'અભણ' કહેવા મામલે મલ્લિકાર્જુન ખડગેએ માંગી માફી! જાણો વિગતે

 
ખડાગે

'ગુજરાતીઓની લાગણીને ઠેસ પહોંચાડવાનો મારો કોઈ હેતુ નહોતો'

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓને લઈને આપવામાં આવેલા કથિત 'અભણ' વાળા નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. ભારતીય જનતા પાર્ટીએ આ મુદ્દાને સીધો 'ગુજરાતી અસ્મિતા' સાથે જોડીને સમગ્ર રાજ્યમાં ઉગ્ર વિરોધ શરૂ કર્યો છે.

ગુજરાતમાં વધતા જતા રાજકીય આક્રોશ વચ્ચે ખડગેએ એક્સ પર પોસ્ટ કરી દિલગીરી વ્યક્ત કરી છે તેમણે X (અગાઉનું ટ્વિટર) પર પોસ્ટ કરતા લખ્યું છે કે,“ગુજરાતના લોકો પ્રત્યે મારા મનમાં સર્વોચ્ચ સન્માન છે. કોઈની પણ લાગણીને ઠેસ પહોંચાડવાનો મારો કોઈ જ ઉદ્દેશ નહોતો.”ખડગેના નિવેદન સામે સુરતમાં ભાજપ આક્રમક મૂડમાં છે.

સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, સાડા છ કરોડ ગુજરાતીઓ અને વિશ્વભરમાં વસતા કરોડો ગુજરાતીઓ આ અપમાન સાંખી નહીં લે. તેમણે કટાક્ષ કરતા કહ્યું, “આજે ગુજરાતીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે બિઝનેસથી લઈને અનેક ક્ષેત્રોમાં ડંકો વગાડી રહ્યા છે. આખી દુનિયા ગુજરાતીઓની બુદ્ધિશક્તિનો લોખંડ માને છે, ત્યારે તેમને અભણ કહેવા તે ખડગેની મૂર્ખતા દર્શાવે છે.”પરેશ પટેલે ઈતિહાસનો હવાલો આપતા કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, આ એ જ માટી છે જ્યાંથી મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાપુરુષોએ દેશને આઝાદી અને એકતા અપાવી.

આજે આજ માટીના પનોતા પુત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ દેશનું નેતૃત્વ કરી રહ્યા છે. નરેન્દ્ર મોદીને આજે આખી દુનિયા ‘વિશ્વગુરુ’ માને છે, ત્યારે કોંગ્રેસના નેતાઓ દ્વારા આવા હલકી કક્ષાના શબ્દો વાપરવા નિંદનીય છે.ભાજપ નેતાઓએ સવાલ ઉઠાવ્યો છે કે કોંગ્રેસ હંમેશા ગુજરાત અને ગુજરાતીઓને કેમ ટાર્ગેટ કરે છે? દેશની જીડીપીમાં ગુજરાતનો ૮% જેટલો સિંહફાળો છે અને પ્રોડક્શન તેમજ મેન્યુફેક્ચરિંગમાં રાજ્ય અગ્રેસર છે.

વધુમાં, જ્યારે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ બની રહી હતી, ત્યારે પણ કોંગ્રેસે તેનો વિરોધ કર્યો હતો. પોતાની મહેનતથી શૂન્યમાંથી સર્જન કરનાર ગુજરાતીઓ વિશે આવું નિવેદન કોંગ્રેસની હતાશા છતી કરે છે. આથી, ભાજપે ચીમકી આપી છે કે જો મલ્લિકાર્જુન ખડગે જાહેરમાં માફી નહીં માંગે, તો આંદોલન વધુ ઉગ્ર બનશે.