રિપોર્ટ@દેશ: મોદી સરકારે 24 સંસદીય સમિતિઓની કરી રચના, રાહુલ ગાંધી સહિત કયા નેતાઓને મળ્યું સ્થાન?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મોદી સરકારે 24 સંસદીય સમિતિઓની રચના કરી દીધી છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધીને સંરક્ષણ બાબતોની સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા છે. જયારે કોંગ્રેસના સાંસદ શશિ થરૂરને વિદેશી બાબતોની સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, જ્યારે રામ ગોપાલ યાદવને આરોગ્ય સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ સિવાય બીજેપી સાંસદ રાધા મોહન સિંહને સંરક્ષણ બાબતોની સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. સોનિયા ગાંધીનું નામ કોઈ કમિટીમાં નથી. બીજેપી નેતા રાધા મોહન દાસ અગ્રવાલને ગૃહ મામલાની સંસદીય સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
બીજેપી સાંસદ ભર્તૃહરિ મહતાબને નાણાં અંગેની સંસદીય સમિતિની કમાન મળી છે. કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહને મહિલા, શિક્ષણ, યુવા અને રમતગમત બાબતોની સંસદીય સમિતિની કમાન મળી છે. બીજેપી સાંસદ નિશિકાંત દુબેને કોમ્યુનિકેશન અને આઈટી કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. કંગના રનૌતને આ સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા છે. રામનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલને ફોરેન અફેર્સ કમિટીના સભ્ય બનાવવામાં આવ્યા છે. બીજેપી નેતા સીએમ રમેશને રેલવે અફેર્સ કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા છે.
આની જરૂર એટલા માટે છે કે સંસદ પાસે ઘણું કામ હોય છે. આ કામો પૂર્ણ કરવા માટે સમય પણ ઓછો હોય છે. જેના કારણે જ્યારે કોઈ કામ કે મામલો સંસદ પાસે આવે છે ત્યારે તે તેના પર ઊંડાણપૂર્વક વિચાર કરી શકતું નથી. આવી સ્થિતિમાં, ઘણા કામોની પતાવટ સમિતિ દ્વારા કરવામાં આવે છે, જેને સંસદીય સમિતિ કહેવામાં આવે છે. સંસદીય સમિતિઓની રચના સંસદ દ્વારા જ કરવામાં આવે છે. આ સમિતિઓ સંસદના સ્પીકરના આદેશો પર કામ કરે છે અને પોતાનો રિપોર્ટ સંસદ અથવા અધ્યક્ષને સોંપે છે. આ સમિતિઓ બે પ્રકારની હોય છે. સ્થાયી સમિતિઓ અને તદર્થ સમિતિઓ. સ્થાયી સમિતિઓનો કાર્યકાળ એક વર્ષનો હોય છે અને તેમનું કામ સતત ચાલુ રહે છે. નાણાકીય સમિતિઓ, વિભાગ સંબંધિત સમિતિઓ અને કેટલીક અન્ય પ્રકારની સમિતિઓ સ્થાયી સમિતિઓ હોય છે. જયારે તદર્થ સમિતિઓની રચના કેટલીક ખાસ બાબતો માટે કરવામાં આવે છે. જયારે એમનું કામ ખતમ થઈ જાય છે તો આ સમિતિઓનું અસ્તિત્વ પણ ખતમ થઈ જાય છે.