રિપોર્ટ@દેશ: આજે મોદી સરકાર બજેટમાં કરી શકે 10 મોટી જાહેરાત, જાણો વિગતે

 
બજેટ
ખેડૂતોને વાર્ષિક ₹ 6,000 ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે 1 ફેબ્રુઆરીએ બધાની નજર બજેટ 2025 પર જ હશે. આ બજેટથી દરેક વ્યક્તિને આશા છે કે, કઈંક રાહતના સમાચાર મળે. ચર્ચાઓ ઘણી પણ શું રાહત મળશે એ મોટો સવાલ. તો ચાલો જાણીએ, મધ્યમ વર્ગીય લોકોને કઈ 10 જાહેરાતોથી મળી શકે છે રાહત.બિઝનેસ સ્ટાન્ડર્ડે સરકારી સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે, આ વખતે બજેટમાં નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ 10 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવકને કરમુક્ત કરી શકાય છે.

બીજું કે, 15 લાખથી 20 લાખ રૂપિયાની વાર્ષિક આવક માટે 25%નો નવો ટેક્સ સ્લેબ રજૂ કરવામાં આવી શકે છે. એક સરકારી સૂત્રએ જણાવ્યું કે, અમે બંને વિકલ્પોનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ. જો બજેટ પરવાનગી આપે, તો બંને પગલાં અમલમાં મૂકી શકીએ છીએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકાર આવકવેરા રાહતના પરિણામે 50,000 કરોડ રૂપિયાથી 1 લાખ કરોડ રૂપિયા સુધીના મહેસૂલ નુકસાનને સહન કરવા તૈયાર છે.પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટી શકે છે. બજેટમાં એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરવાની જાહેરાત થઈ શકે છે તેવા સમાચાર સામે આવ્યા છે. જો આવું થશે તો પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટશે. તમને જણાવી દઈએ કે, હાલમાં પેટ્રોલ પર 19.90 રૂપિયા અને ડીઝલ પર 15.80 રૂપિયા ડ્યુટી લગાવવામાં આવે છે.

પીએમ કિસાન યોજનાની રકમ વધી શકે છે. બજેટમાં પીએમ કિસાન યોજનાની રકમ વધી શકે છે. એવા સમાચાર છે કે, ખેડૂતોને આપવામાં આવતી સહાયની રકમ વાર્ષિક 12,000 રૂપિયા સુધી વધારી શકાય છે. ખેડૂતોને વાર્ષિક ₹ 6,000 ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.બજેટ 2025માં સોના પરની આયાત ડ્યુટીમાં વધારો થઈ શકે છે. જો આવું થશે તો સોનાના ભાવ ઘટી શકે છે. તમને જણાવી દઈએ કે, જ્વેલર્સ ઉદ્યોગે સરકારને આયાત ડ્યુટી ન વધારવાની અપીલ કરી છે, કારણ કે તેનાથી સોનાના દાગીનાની નિકાસ પર નકારાત્મક અસર પડશે અને સોનાની દાણચોરી પણ વધી શકે છે.આગામી બજેટ 2025-26માં ખેડૂતોને એક ભેટ મળી શકે છે. સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) પર લોન મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરવાની તૈયારી કરી રહી છે. કિસાન ક્રેડિટ કાર્ડ (બજેટ 2025) યોજના હેઠળ મહત્તમ ઉધાર મર્યાદા ₹3 લાખ છે.

જૂની અને નવી બંને કર વ્યવસ્થા હેઠળ સ્ટાન્ડર્ડ ડિડક્શન અંગેનો નિર્ણય કેન્દ્રીય બજેટ 2025-26માં આવી શકે છે. નવી અને જૂની બંને આયકર વ્યવસ્થા હેઠળ સ્ટાન્ડર્ડ ડિડક્શનનું લેવલ વધી શકે છે.સરકાર હાલમાં 35 લાખ રૂપિયા સુધીના ઘર ખરીદવા માટે લેવામાં આવેલી લોનના વ્યાજ દરો પર સબસિડી આપે છે. એવા સમાચાર છે કે, બજેટ 2025માં 35 લાખ રૂપિયાની મર્યાદા વધારીને 50 લાખ રૂપિયા કરવામાં આવી શકે છે. એટલે કે, જો આ જાહેરાત કરવામાં આવે તો ઘર ખરીદનારાઓને મોટી રાહત મળશે.NPSને વધુ આકર્ષક બનાવવા માટે બજેટ 2025માં કેટલાક ફેરફારો કરવામાં આવી શકે છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર NPSમાં કેટલાક સુધારા કરી શકે છે, જેનાથી રોકાણકારોને વધુ ફાયદો થઈ શકે છે. બજેટ 2025માં, સીનિયર સિટીઝન્સ માટે હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમની લિમિટ 1 લાખ રૂપિયા સુધી વધારી શકાય છે. બીજા લોકો માટે હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમની લિમિટ 50,000 રૂપિયા સુધી વધારી શકાય છે. આયુષ્માન ભારત યોજનાનો વ્યાપ વધી શકે છે. હાલમાં આ યોજનાનો લાભ આર્થિક રીતે નબળા અને 70 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને મળે છે. અટલ પેન્શન યોજના (APY) ની રકમ પણ વધારી શકાય છે. હાલમાં આ યોજના હેઠળ 7 કરોડથી વધુ લોકો જોડાયેલા છે.