રિપોર્ટ@દેશ: મહાકુંભમાં ત્રિવેણી સંગમ પર ડુબકી લગાવનાર તીર્થયાત્રીઓની સંખ્યા 10 કરોડને પાર

 
મહાકુંભ

લાખો શ્રદ્ધાળુઓ આધ્યાત્મિક ડુબકી લગાવવા માટે સંગમ પર ઉમટી રહ્યા છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં ગંગા, યમુના અને પૌરાણિક સરસ્વતી નદીઓના ત્રિવેણી સંગમ પર ડુબકી લગાવનાર તીર્થયાત્રીઓની સંખ્યા 10 કરોડથી ઉપર પહોંચી ગઈ છે, તેમ ઉત્તરપ્રદેશ સરકારે જણાવ્યું છે. મહાકુંભ મેળાનો આરંભ 13 જાન્યુઆરી થયો અને 26મી ફેબ્રુઆરી સુધી ચાલશે તેમ જણાવતાં યુપી સરકારના નિવેદનમાં ઉમેરાયું છે કે તીર્થયાત્રીઓની સંખ્યા સતત વધી રહી છે અને પ્રતિદિવસ લાખો લોકો સ્નાન કરીને તથા આધ્યાત્મિક પૂણ્ય પ્રાપ્ત કરવા માટે આવી રહ્યા છે.

સ્નાન પર્વો પર આ સંખ્યા કરોડોમાં પહોંચી જાય છે. યોગી આદિત્યનાથ સરકારે પહેલા અનુમાન લગાવ્યું હતું કે આ વર્ષે મહાકુંભમાં 45 કરોડથી વધુ લોકો આવશે. પ્રયાગરાજમાં શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ અને ઉમંગ યથાવત્ છે. દેશ અને દુનિયાભરમાંથી લોકો ત્રિવેણી સંગમ પર પવિત્ર સ્નાનમાં ભાગ લેવા મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. માત્ર ગુરુવારે એક દિવસમાં 30 લાખ લોકોએ સંગમમાં સ્નાન કર્યું, જેમાં 10 લાખ કલ્પવાસી અને અન્ય શ્રદ્ધાળુ સામેલ હતા. જ્યારે લાખો શ્રદ્ધાળુઓ આધ્યાત્મિક ડુબકી લગાવવા માટે સંગમ પર ઉમટી રહ્યા છે, તેમ છતાં પ્રયાગરાજમાં જનજીવન સામાન્ય રીતે ચાલી રહ્યું છે.