રિપોર્ટ@દેશ: લોકસભામાં રાહુલ ગાંધીએ એકલવ્યનું દ્રષ્ટાંત આપી સરકાર પર કર્યા પ્રહાર
અટલ સમાચાર ડોટ કોમ ડેસ્ક
લોકસભાની કાર્યવાહી આજે (14 ડિસેમ્બર)થી શરૂ થઈ ગઈ છે. લોકસભામાં બંધારણ પરની ચર્ચાના પ્રથમ દિવસે સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે જોરદાર બોલાચાલી થઈ. આ દરમિયાન સંવિધાન પર બોલતા વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર વીર સાવરકર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું હતું કે, 'જ્યારે આપણે બંધારણને જોઈએ છીએ અને તેને ખોલીએ છીએ ત્યારે આપણને ડો. આંબેડકર, મહાત્મા ગાંધી અને જવાહર લાલ નેહરુના અવાજો અને વિચારો સાંભળવા મળે છે. આ વિચાર શિવથી લઈને ગુરુ નાનક, બસવનાથ, બુદ્ધ, મહાવીર, કબીર સુધીના દરેક વ્યક્તિ પાસેથી આવ્યો છે. એક લાંબી યાદી છે.'
વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, 'જ્યારે આપણે બંધારણ પર વાત કરીએ છીએ અને બંધારણ બતાવીએ છીએ, ત્યારે એ સાચું છે કે તે આધુનિક ભારતનો દસ્તાવેજ છે, પરંતુ તે પ્રાચીન ભારત અને તેના વિચારો વિના ક્યારેય લખી શકાયું ન હોત. ભારતના બંધારણની સૌથી ખરાબ વાત એ છે કે તેમાં ભારતીય કંઈ નથી. આ તમારા નેતા સાવરકરે કહ્યું હતું, જેમની તમે પૂજા કરો છો.'
રાહુલ ગાંધીએ એકલવ્યનું દ્રષ્ટાંત આપતા કહ્યું હતું, કે 'અભય મુદ્રામાં હુનરના કારણે શક્તિ આવે છે. જેમ દ્રોણાચાર્યએ એકલવ્યનો અંગૂઠો કાપ્યો હતો, એ જ રીતે તમે (સરકાર) દેશનો અંગૂઠો કાપી રહ્યા છો. જ્યારે તમે ધારાવી અદાણીને આપો છો ત્યારે તમે ધારાવીના યુવાનોનો અંગૂઠો કાપો છો. તમે 70 વખત પેપરલીક કરાવી, ભારતના યુવાનોનો અંગૂઠો કાપ્યો. તમે અગ્નિવીર યોજનાથી દેશના યુવાનોનો અંગૂઠો કાપ્યો.'હાથરસનો મુદ્દો ઊઠાવતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, 'હાથરસમાં ચાર વર્ષ પહેલા એક દલિત યુવતી પર દુષ્કર્મ થયો હતો. ગુનેગારો બહાર ફરતા હોય છે જ્યારે પીડિતાના પરિવારો જેલવાસની જીંદગી જીવી રહ્યા છે. બંધારણમાં આ ક્યાં લખ્યું છે? ક્યાંય નથી. ઉત્તર પ્રદેશમાં બંધારણ નહીં મનુસ્મૃતિ અમલમાં છે.'