રિપોર્ટ@દેશ: PM મોદીએ ફરી વિપક્ષ પર સાધ્યું નિશાન, કહ્યું 'ભ્રષ્ટાચારના ખેલાડી એટલે મહાવિકાસ અઘાડી'
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડાપ્રધાન મોદીએ આજે મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના ચિમૂરમાં એક જનસભાને સંબોધિત કરતાં વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. આ જનસભામાં વડાપ્રધાન મોદીએ વિપક્ષના ગઠબંધન મહા વિકાસ અઘાડીને ભ્રષ્ટાચારના ખેલાડી તરીકે સંબોધિત કરતાં રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. જ્યારે પોતાની મહાયુતિ સરકાર અને કેન્દ્રમાં ભાજપના એનડીએની સરકારને વિકાસનું ડબલ એન્જિન ગણાવ્યું છે.
વડાપ્રધાને નિવેદન આપ્યું કે, 'છેલ્લા અઢી વર્ષમાં તમે વિકાસનું ડબલ એન્જિન અર્થાત બમણી ગતિએ વિકાસ જોયો છે. મહારાષ્ટ્ર સૌથી વધુ વિદેશી રોકાણ ધરાવતું રાજ્ય છે. નવા એરપોર્ટ અને એક્સપ્રેસ વે છે, એક ડઝન વંદે ભારત ટ્રેનો દોડી રહી છે અને 100થી વધુ રેલ્વે સ્ટેશનોને નવજીવન આપવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્રનો ઝડપી વિકાસ આઘાડીના હાથમાં નથી. તેમણે વિકાસને રોકવા માટે પીએચડી કર્યું છે અને કોંગ્રેસ તેમાં ડબલ પીએચડી છે. આઘાડી એટલે ભ્રષ્ટાચારનો સૌથી મોટો ખેલાડી.
મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધનની સાથે કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકારનો અર્થ રાજ્યમાં ડબલ એન્જિન સરકાર છે. મતલબ બમણી ઝડપે વિકાસ. મહાયુતિ સરકાર અત્યંત ઝડપે વિકાસ કરે છે, જ્યારે અઘાડીના લોકો કામમાં વિક્ષેપ નાખવાનો પ્રયાસ કરે છે. તે તો ચંદ્રપુરના લોકો વધુ સારી રીતે જાણતા હશે. અહીંના લોકો દાયકાઓથી રેલ જોડાણની માંગ કરી રહ્યા હતા, પરંતુ કોંગ્રેસ અને આઘાડીએ ક્યારેય આ કામ પાર પડવા દીધું નથી. વધુમાં તેઓએ જણાવ્યું કે, આજે તમે પોતે જ બતાવી દીધું છે કે મહારાષ્ટ્રમાં ચૂંટણીના પરિણામો કેવા આવવાના છે. લોકોની આ ભીડ કહી રહી છે કે મહારાષ્ટ્રમાં મહાયુતિ પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહી છે.