રીપોર્ટ@દેશ: PM મોદીએ 'મન કી બાત'ના 137મા એપિસોડમાં યુવાનોને આપ્યો સંદેશ, જાણો શું કહ્યું?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે 'મન કી બાત'ના 137મા એપિસોડને સંબોધિત કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન તેમણે યુવાનો, ઈતિહાસ અને દેશના નવા પ્રયાસો સહિત અનેક મહત્વના મુદ્દાઓ પર વાત કરી હતી. તેઓએ કહ્યું કે 'મન કી બાત' એક એવું પ્લેટફોર્મ છે, જ્યાં દેશના નવા અને પ્રેરણાદાયક પ્રયાસોને લોકો સમક્ષ લાવવાની તક મળે છે. PM મોદીએ દેશના યુવાનોની સર્જનાત્મકતા અને નવી વિચારસરણીના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે દેશમાં યંગ ક્રિએટર્સની કોઈ કમી નથી. યુવાનો પોતાની પ્રતિભા અને ટેક્નોલોજીનો ઉપયોગ કરીને દેશ અને સમાજ માટે નવા તથા ઉપયોગી પ્રયાસો કરી રહ્યા છે.
તેમણે ખાસ કરીને મુંબઈના કૃષ્ણા શેષાદ્રિ દ્વારા તૈયાર કરવામાં આવેલી bharatrajya.com વેબસાઇટનો ઉલ્લેખ કર્યો હતો. PM મોદીએ કહ્યું કે આ વેબસાઇટ ઈતિહાસ સમજવા અને તેને રસપ્રદ રીતે શીખવા માટે વિદ્યાર્થીઓ તથા યુવાનો માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.PM મોદીના જણાવ્યા અનુસાર, bharatrajya.com વેબસાઇટ પર કોઈપણ વ્યક્તિ એક વર્ષ પસંદ કરી શકે છે. ત્યારબાદ તે સમયગાળા દરમિયાન ભારતના કયા વિસ્તારમાં કોનું શાસન હતું તેની માહિતી મેળવી શકાય છે.
તેમણે કહ્યું કે કૃષ્ણા શેષાદ્રિનો આ પ્રયાસ માત્ર ઈતિહાસના વિદ્યાર્થીઓ માટે જ નહીં, પરંતુ સામાન્ય લોકો માટે પણ ઈતિહાસને સરળ અને રસપ્રદ રીતે સમજવામાં મદદરૂપ બની શકે છે. તેમણ કહ્યું કે 'મન કી બાત' દ્વારા દેશના અલગ-અલગ ખૂણામાં થઈ રહેલા સારા અને પ્રેરણાદાયક કાર્યોને દેશવાસીઓ સુધી પહોંચાડવામાં આવે છે. PM મોદીએ નશામુક્ત ભારતના નિર્માણ માટે પણ દેશવાસીઓને એકજૂથ થવાની અપીલ કરી હતી. તેમણે ખાસ કરીને યુવાનોને નશાથી દૂર રહેવા અને સ્વસ્થ તથા ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા. યુવાનો દેશની સૌથી મોટી શક્તિ છે અને તેમને નશાથી દૂર રાખવા માટે પરિવાર, સમાજ અને સરકાર સહિત સૌની સામૂહિક જવાબદારી છે. 'મન કી બાત'ના આ એપિસોડમાં યુવા પ્રતિભા, ઈતિહાસ અને નશામુક્ત ભારત જેવા મુદ્દાઓ પર PM મોદીના સંદેશે યુવાનોની ભૂમિકા અને જવાબદારીને ખાસ મહત્વ આપ્યું.

