રીપોર્ટ@દેશ: જનતાને સંબોધન કરતાં ભાવુક થયા પીએમ મોદી, 'મારી માતાને કોંગ્રેસના મંચ પરથી ગાળો આપી'

 
મોદી
ગરીબ માતાની તપસ્યા આ શાહી ખાનદાનોમાં જન્મેલા યુવરાજ સમજી શકતા નથી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

બિહારમાં વિરોધ પક્ષોના મંચ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વર્ગસ્થ માતા હીરાબેન માટે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ મામલે પીએમ મોદીએ પહેલીવાર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આ અપશબ્દો માત્ર મારી માતાનું અપમાન નથી, આ દેશની માતા,બહેન, દીકરીનું પણ અપમાન છે. પીએમ મોદીએ બિહારની જનતાને સંબોધતા કહ્યું કે માતા તો આપણું સંસાર હોય છે, માતા જ આપણું સ્વાભિમાન હોય છે. બિહારમાં થોડા દિવસો પહેલા જે બન્યું, તેની મેં કલ્પના પણ નહોતી કરી. બિહારમાં RJD-કોંગ્રેસના મંચ પરથી મારી માતાને ગાળો આપવામાં આવી.

તેમણે વધુમાં કહ્યું કે આ અપશબ્દો માત્ર મારી માતાનું અપમાન નથી, આ દેશની માતા,બહેન, દીકરીનું પણ અપમાન છે. વડાપ્રધાને ભાવુક થતાં કહ્યું કે આપ સૌ જાણો છો કે હવે મારી માતાનું શરીર આ દુનિયામાં નથી. થોડા સમય પહેલા 100 વર્ષની ઉંમર પૂરી કરીને તેઓ અમને બધાને છોડીને ચાલ્યા ગયા. મારી એ માતાને, જેનો રાજકારણ સાથે કોઈ સંબંધ નથી, જેનું શરીર પણ હવે નથી, તેવી મારી માતાને RJD-કોંગ્રેસના મંચ પરથી ગાળો આપવામાં આવી. આ ખૂબ જ દુઃખ આપનારી વાત છે. એ માતાનો શું ગુનો છે કે તેને આવી ગાળો સંભળાવવામાં આવી? તેમણ  ઉમેર્યું કે મેં દરરોજ, દર ક્ષણે મારા દેશ માટે પૂરી મહેનતથી કામ કર્યું છે અને તેમાં મારી માતાની ખૂબ મોટી ભૂમિકા રહી છે. મારે 'મા ભારતી'ની સેવા કરવી હતી. તેથી મને જન્મ આપનારી મારી માતાએ મને પુત્રની જવાબદારીથી મુક્ત કરી દીધો હતો.

તેઓએ વિરોધ પક્ષો પર નિશાન સાધતા કહ્યું કે એક ગરીબ માતાની તપસ્યા, તેના પુત્રની પીડા, આ શાહી ખાનદાનોમાં જન્મેલા યુવરાજ સમજી શકતા નથી. આ નામદાર લોકો તો સોના-ચાંદીનો ચમચો લઈને જન્મ્યા છે. દેશ અને બિહારની સત્તા તેમને પોતાના ખાનદાનની વિરાસત લાગે છે. તેમને લાગે છે કે ખુરશી તેમને જ મળવી જોઈએ પરંતુ તમે, દેશની જનતા જનાર્દને એક ગરીબ માતાના પુત્રને આશીર્વાદ આપીને પ્રધાનસેવક બનાવી દીધો. આ વાત નામદારોને પચી રહી નથી.