રીપોર્ટ@દેશ: PM મોદીએ કેરલમમાં કોંગ્રેસ અને એલડીએફ સરકાર પર કર્યા કડક પ્રહાર

 
મોદી
તેમણે કોંગ્રેસ તથા ડાબેરી પક્ષોથી સાવધાન રહેવાની અપીલ કરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કેરલમ વિધાનસભા ચૂંટણી વચ્ચે આજે નરેન્દ્ર મોદીએ તિરુવલ્લામાં યોજાયેલી વિશાળ જનસભામાં તેમના ભાષણ દરમિયાન તેમણે કોંગ્રેસ અને એલડીએફ સરકાર પર કડક પ્રહાર કર્યા. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ એવી રાજનીતિ કરે છે જેનાથી પશ્ચિમ એશિયાના દેશો ભારત સામે દુશ્મનીનો અભિગમ અપનાવે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. તેમણે કહ્યું કે કેરલમમાં હવે પરિવર્તનનો સમય આવી ગયો છે અને આવનારી ચૂંટણીમાં જનતા દાયકાઓથી ચાલતા કુશાસનનો અંત લાવશે. તેમણે દાવો કર્યો કે રાજ્યમાં એનડીએ સરકાર બનાવવાનો માર્ગ સુગમ બની રહ્યો છે.

તેઓએ કહ્યું કે 9 એપ્રિલે મતદાન અને 4 મેના પરિણામ સાથે એલડીએફ સરકારનો અંત નિશ્ચિત છે. એલડીએફ અને યુડીએફ બંને પર નિશાન સાધતા તેમણે કહ્યું કે આ બંને પાર્ટીઓએ ક્યારેય કેરલમના વિકાસ માટે યોગ્ય કામ કર્યું નથી. રાજ્ય કુદરતી સંસાધનો અને પર્યટન ક્ષમતાથી સમૃદ્ધ હોવા છતાં વિકાસની દોડમાં પાછળ પડી રહ્યું છે, જે માટે હાલની સરકાર જવાબદાર છે.

તેઓએ વધુમાં જણાવ્યું કે "ડબલ એન્જિન" સરકાર બનતા રાજ્યના વિકાસમાં આવતી તમામ અડચણો દૂર થશે. તેમણે મહિલાઓના સમર્થનને એનડીએની મોટી શક્તિ ગણાવી અને લોકોને કોંગ્રેસ તથા ડાબેરી પક્ષોથી સાવધાન રહેવાની અપીલ કરી. આ સાથે તેમણે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ખરાબ સ્થિતિ, રસ્તાઓ અને આરોગ્ય સુવિધાઓના અભાવ જેવા મુદ્દાઓ ઉઠાવીને વચન આપ્યું કે નવી સરકાર બનતા તમામ ક્ષેત્રોમાં ઝડપી વિકાસ કરવામાં આવશે.