રીપોર્ટ@દેશ: મધ્ય પૂર્વમાં મહાયુદ્ધને લઈ પીએમ મોદીએ મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી, મોટા નિર્ણયો લેવાયા

 
મોદી
સૌથી વધુ ભાર ખેડૂતો અને તેમની જરૂરિયાતો પર મુકાયો

અટલ સમાચાર ડોટ કોમગોવર

મધ્ય પૂર્વમાં અત્યારે જે યુદ્ધ જેવી સ્થિતિ ચાલી રહી છે, તેની અસર આખી દુનિયા પર પડી રહી છે. આ પરિસ્થિતિમાં ભારતને કોઈ મોટું નુકસાન ન થાય અને સામાન્ય જનતાને હાલાકી ન ભોગવવી પડે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ  એક અત્યંત મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય બેઠક (CCS) યોજી હતી. આ બેઠકમાં ખાસ કરીને દેશમાં પેટ્રોલિયમ, ક્રૂડ ઓઇલ, ગેસ (LPG), વીજળી અને ખેડૂતો માટે ખાતરના પુરવઠાની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી.યુદ્ધના કારણે સપ્લાય ચેન ખોરવાય નહીં અને નાગરિકોને મોંઘવારી કે વસ્તુઓની અછતનો સામનો ન કરવો પડે તે માટે સરકારે આગોતરું આયોજન કરી લીધું છે.

બેઠકમાં સૌથી વધુ ભાર ખેડૂતો અને તેમની જરૂરિયાતો પર મુકાયો હતો. આવનારી ખરીફ સિઝનમાં ખેડૂતોને ખાતરની કોઈ અછત ન પડે તે મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સરકારે ખાતરી આપી છે કે આપણી પાસે ખાતરનો પૂરતો સ્ટોક છે અને ભવિષ્યમાં જરૂર પડે તો અન્ય દેશોમાંથી પણ ખાતર મંગાવવાના વિકલ્પો તૈયાર રખાયા છે, જેથી દેશની ખાદ્ય સુરક્ષા જળવાઈ રહે. આ ઉપરાંત, દેશના તમામ પાવર પ્લાન્ટ્સ પાસે કોલસાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી ભારતમાં વીજળીની કોઈ જ અછત ઊભી થશે નહીં તેવો પણ વિશ્વાસ વ્યક્ત કરાયો હતો.

યુદ્ધના કારણે વેપાર અટકે નહીં તે માટે રાસાયણિક (કેમિકલ), ફાર્માસ્યુટિકલ અને પેટ્રોકેમિકલ જેવા ઉદ્યોગોને જરૂરી કાચો માલ બીજા દેશોમાંથી મળી રહે તે માટે આયાતના નવા સ્ત્રોતો શોધવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ભારતીય માલની નિકાસ વધારવા માટે નવા દેશોના બજારો પણ શોધવામાં આવશે. પીએમ મોદીએ આ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે મંત્રીઓ અને સચિવોનું એક ખાસ જૂથ બનાવવાનો આદેશ આપ્યો છે, જે 'સંપૂર્ણ સરકાર'ના અભિગમ સાથે તમામ લોકો સાથે પરામર્શ કરીને કામ કરશે. પીએમ મોદીએ બેઠકમાં સ્પષ્ટ કહ્યું છે કે આ સંઘર્ષની અસર આખી દુનિયા પર પડી રહી છે અને પરિસ્થિતિ સતત બદલાઈ રહી છે, પરંતુ ભારતના નાગરિકોને તેનાથી બચાવવા સરકાર પૂરા પ્રયાસો કરશે. તેમણે તમામ રાજ્ય સરકારો સાથે સતત સંપર્ક અને સંકલન જાળવવા જણાવ્યું છે, જેથી બજારમાં પેટ્રોલ, ડીઝલ કે અન્ય કોઈ આવશ્યક ચીજવસ્તુઓની સંગ્રહખોરી કે કાળાબજારી ન થાય.

બેઠક પૂર્ણ થયા બાદ પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, "પશ્ચિમ એશિયાના સંઘર્ષને જોતા રાહત પગલાંની સમીક્ષા માટે મેં CCS ની બેઠકનું નેતૃત્વ કર્યું. અમે ખેડૂતો માટે ખાતરની સતત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા, મુખ્ય ક્ષેત્રો માટે આયાતના સ્ત્રોતો વધારવા અને નવા સ્થળોએ નિકાસને પ્રોત્સાહન આપવા જેવા ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળાના પગલાં પર વ્યાપક ચર્ચા કરી છે.