રીપોર્ટ@દેશ: PM મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે આવશે

 
મોદી
પીએમ મોદી આ દરમિયાન સરહદી જિલ્લા કચ્છની મુલાકાત લેશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પહેલગામ આતંકી હુમલાનો બદલો લેતા ભારતે ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું. સેનાની કાર્યવાહીમાં 100થી વધુ આતંકીઓના મોત થયા છે. ત્યારબાદ બંને દેશ વચ્ચે સીઝફાયરની જાહેરાત થઈ હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઓપરેશન સિંદૂર બાદ દેશભરમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે. રાજ્યમાં આગામી 15 દિવસમાં પીએમ મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે આવી શકે છે.

રાજનાથ સિંહ 16 મે, શુક્રવારે કચ્છના ભુજ એરબેઝની મુલાકાત લઈ શકે છે. તો પીએમ મોદી અને અમિત શાહના પ્રવાસને લઈને રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 17 અને 18 મેએ ગુજરાત આવવાના છે. અમિત શાહ અમદાવાદ અને ગાંધીનગરમાં પૂર્વનિર્ધારિત કાર્યક્રમોમાં હાજર રહેવાના છે. અમિત શાહ નવા વિકાસ કાર્યક્રમોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. આ સિવાય અમિત શાહ ગાંધીનગર લોકસભા મતક્ષેત્રમાં એક બેઠકનું આયોજન કરી શકે છે. પીએમ નરેન્દ્ર મોદી 27 મેના રોજ ગુજરાતની મુલાકાત લઈ શકે છે. પીએમ મોદી આ દરમિયાન સરહદી જિલ્લા કચ્છની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ સૈન્ય દળો, ઓપરેશન સેન્ટરનું નિરીક્ષણ અને જવાનો સાથે સંવાદ કરી શકે છે. પીએમ મોદીના કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.