રીપોર્ટ@દેશ: ગાઝા પીસ સમિટમાં PM મોદીને આમંત્રણ, ટ્રમ્પ સહિત વિશ્વના 20 નેતા થશે સામેલ

 
મોદી
ભારત ઇઝરાયલ અને પેલેસ્ટાઇન બંને દેશો સાથે સારા સંબંધો ધરાવે છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વડાપ્રધાન મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફરી એકવાર મુલાકાત થવાની શક્યતા છે, ઇજિપ્તે ગાઝા શાંતિ કરાર માટે યોજાનારા એક મહત્વપૂર્ણ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે વડાપ્રધાન મોદીને નિમંત્રણ મોકલ્યું છે.મિશ્રના રાષ્ટ્રપતિ ફરાહ અલ સિસીએ આ નિમંત્રણ મોકલ્યું છે. આ સંમેલન આવતીકાલે, 13 ઑક્ટોબરના રોજ શર્મ-અલ-શેખ શહેરમાં યોજાશે, જેમાં દુનિયાભરના લગભગ 20 દેશો ભાગ લેશે. આ બેઠકનો મુખ્ય હેતુ ગાઝા શાંતિ કરાર પર સત્તાવાર હસ્તાક્ષર અને સત્તાવાર ઘોષણા કરવાનો છે.

હજુ એ સ્પષ્ટ નથી થયું કે વડાપ્રધાન મોદી આ સંમેલનમાં ભાગ લેવા જશે કે નહીં. માહિતી મુજબ, ભારતે અગાઉથી જ નક્કી કરી લીધું છે કે ભારત તરફથી વિદેશ રાજ્ય મંત્રી કીર્તિવર્ધન સિંહ મિશ્ર જશે. પરંતુ ભારત માટે આ સંમેલનમાં હાજરી આપવી અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે ભારત ઇઝરાયલ અને પેલેસ્ટાઇન બંને દેશો સાથે સારા સંબંધો ધરાવે છે અને વિશ્વભરમાં શાંતિનું સમર્થક રહ્યું છે.

ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને રોકવા અને ગાઝામાં શાંતિ સ્થાપવા માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગાઝા શાંતિ યોજના તૈયાર કરી છે. આ યોજનામાં યુદ્ધવિરામ, ગાઝાની આઝાદી અને પુનર્ગઠન માટે 20 પ્રસ્તાવો રજૂ કરવામાં આવ્યા છે, જેના પર ઇઝરાયલ અને હમાસ બંનેએ સૈદ્ધાંતિક સંમતિ દર્શાવી છે. ઇજિપ્તમાં બંને પક્ષો વચ્ચે પ્રથમ તબક્કાની શાંતિ વાર્તા સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂકી છે અને પ્રથમ તબક્કાના નિયમોનો અમલ પણ શરૂ થઈ ગયો છે.