રીપોર્ટ@દેશ: ઉદ્યોગપતિઓ પર ભડક્યા PM મોદી, 'મારા દેશવાસીઓને શું સમજી રાખ્યા છે?'
'એક્સપોર્ટ ક્વોલિટી'ના નામે થતી છેતરપિંડી પર આપી મોટી ચેતવણી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડાપ્રધાન મોદીએ ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના શતાબ્દી સંમેલનને સંબોધતા દેશના ઉદ્યોગ જગતને મોટો સંદેશ આપ્યો છે. તેમણે ભારતીય ગ્રાહકો પ્રત્યેની માનસિકતા બદલવા, ગુણવત્તા સુધારવા અને વૈશ્વિક બજારમાં તકો ઝડપી લેવા ઉદ્યોગપતિઓને આહ્વાન કર્યું છે.વડાપ્રધાને ઘરેલુ બજારમાં વેચાતી વસ્તુઓની ગુણવત્તા અંગે ટકોર કરતા કહ્યું કે, "140 કરોડ ભારતીયોને એવું નિશ્ચિત બજાર ન માની લો કે જ્યાં કંઈ પણ વેચાઈ જશે. આજે પણ વેચનારાઓ ગ્રાહકોને વિશ્વાસ અપાવવા માટે કહે છે કે 'આ એક્સપોર્ટ ક્વોલિટી છે'. તમે મારા દેશવાસીઓને શું સમજી રાખ્યા છે? શું તેઓ સારી ગુણવત્તાના હકદાર નથી? આ માનસિકતા બદલવી જ પડશે; મારા દેશવાસીઓ શ્રેષ્ઠ ગુણવત્તાના હકદાર છે."
વૈશ્વિક વેપાર અંગે વાત કરતા PM મોદીએ જણાવ્યું હતું કે, "ભારતે વિશ્વની અનેક મોટી અર્થવ્યવસ્થાઓ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTAs) કર્યા છે, જેનાથી તમારા માટે નવા દરવાજા ખુલ્યા છે. શું તમે આ તક ઝડપવા માટે કોઈ આયોજન કર્યું છે? જો તમે મારી આટલી બધી મહેનતનો ફાયદો નહીં ઉઠાવો, તો બીજું કોણ ઉઠાવશે?" ઘરેલુ બજાર આપણો 'કમ્ફર્ટ ઝોન' ન બનવું જોઈએ, પરંતુ તેમાંથી વૈશ્વિક બજારમાં સ્પર્ધા કરવાનો આત્મવિશ્વાસ મળવો જોઈએ. તેમણે ઉદ્યોગોને વૈશ્વિક ગ્રાહકોની જરૂરિયાતો સમજવા, આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે તાલ મિલાવવા અને મજબૂત ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક ઊભું કરવા રોકાણ કરવાની સલાહ આપી.સરકારના અભિગમ વિશે વાત કરતા વડાપ્રધાને કહ્યું કે, "આ અગાઉની સરકારો જેવી નથી, આ એક મિત્રવત સરકાર છે, જે મિત્રતા નિભાવવાનું જાણે છે. જો તમે મારા સાચા મિત્રો હો, તો એક કામ કરો-હજુ કયા સુધારાઓની જરૂર છે તે અંગે કોઈપણ સંકોચ વિના મને પત્ર લખો."અંતમાં તેમણે FICCI ના ઈતિહાસને યાદ કરતા કહ્યું કે, 1927માં FICCI ની સ્થાપના થઈ હતી અને તેના 20 વર્ષ બાદ ભારતને આઝાદી મળી હતી. તેવી જ રીતે, 2027માં સંસ્થા 100 વર્ષ પૂર્ણ કરશે ત્યારે આગામી 20 વર્ષમાં 'વિકસિત ભારત' બનાવવાનો સંકલ્પ લેવો જોઈએ, કારણ કે 'વિકસિત ભારત' એ માત્ર એક સૂત્ર નથી, પરંતુ એક પ્રતિબદ્ધતા છે.

