રિપોર્ટ@દેશ: PM મોદીએ નશા મુક્ત અભિયાન લોન્ચ કર્યુ, 1કરોડ Gen-Z સાથે સંવાદ કરશે

 
Modi

દેશનો યુવાન તન, મન, ધનથી સ્વસ્થ રહે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પીએમ મોદીએ નશા મુક્ત અભિયાન લોન્ચ કર્યુ છે. તેમનો આ કાર્યક્રમ 100 અઠવાડિયા સુધી ચાલશે. 1 કરોડ Gen-Z સાથે તેઓ સંવાદ કરશે. 28 હજાર જગ્યા પર આ કાર્યક્રમ થઇ રહ્યો છે. યુવાનોને નશાથી બચાવવા માટે આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ કરવામાં આવ્યો.આ અભિયાનનો ઉદ્દેશ્ય નશા મુક્તિને રાષ્ટ્રીય મિશન બનાવવું, નશા મુક્ત જીવનશૈલીને પ્રભાવિત કરવું, મજબૂત સ્વાસ્થ્ય યુવા શક્તિનું નિર્માણ કરવું, યુવાઓેને નશાથી દૂર કરવાની પહેલ.

તેઓએ પોતાના ઓજસ્વી ભાષણની શરૂઆત કરતા જણાવ્યું હતું કે, "આપણે સૌ એક મહાન અને પવિત્ર સંકલ્પ માટે અહીં એકત્ર થયા છીએ." આ શુભ સંકલ્પના ભાગરૂપે દેશના તમામ સંતો, રાજ્યપાલો, મુખ્યમંત્રીઓ, જનપ્રતિનિધિઓ અને 28,000 થી વધુ સ્થળો પરથી જોડાયેલા 1 કરોડથી વધુ યુવા મિત્રોને તેમણે હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આપણે જે અભિયાનની શરૂઆત કરી રહ્યા છીએ તે માત્ર કોઈ વ્યક્તિ કે પરિવાર પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે સમગ્ર સમાજ અને રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

દેશના વિકાસની વાત કરતા તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, એક 'વિકસિત ભારત'ના ભવ્ય સંકલ્પને સાકાર કરવા માટે ડ્રગ-મુક્ત યુવાધન હોવું સૌથી પહેલી શરત છે. નામ જ આ સંકલ્પના મૂળ ઉદ્દેશ્યને સ્પષ્ટ કરે છે. દેશે આગામી સમય માટે જે લક્ષ્‍યાંક નક્કી કર્યા છે, તેને સિદ્ધ કરવા માટે એ સુનિશ્ચિત કરવું અનિવાર્ય છે કે દેશના યુવાનો શારીરિક અને માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થ હોય, આત્મવિશ્વાસથી પરિપૂર્ણ હોય અને ડ્રગ્સ જેવી ઘાતક અને હાનિકારક ટેવોથી હંમેશાં દૂર રહે. આ માટે સમગ્ર રાષ્ટ્રએ સાથે મળીને સંકલ્પ લેવો પડશે કે આપણા યુવાનો ડ્રગ્સના જોખમોને બરાબર સમજે અને તેનાથી સદંતર દૂર રહે.આ ભવ્ય અને ઐતિહાસિક કાર્યક્રમમાં દેશના અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ, રાજ્યપાલો તેમજ દેશ-વિદેશમાં ખ્યાતિ પામેલા પાંચ અગ્રણી આધ્યાત્મિક ગુરુઓ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પૂજ્ય અમ્મા, ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર, પૂજ્ય દાજી, ડૉ. ચિન્મય પંડ્યા અને સ્વામી બ્રહ્મવિહારીજીનો સમાવેશ થાય છે.

આ મહાઅભિયાન માત્ર સરકારી સ્તરે નહીં, પરંતુ 125 થી વધુ આધ્યાત્મિક સંગઠનો, શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ, જાહેર સંગઠનો અને ઔદ્યોગિક એકમોના સહયોગથી જનઆંદોલનનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. આ કાર્યક્રમમાં બ્રહ્માકુમારીઓ, ઇસ્કોન, ચિન્મય મિશન અને ઓરોવિલ જેવી વૈશ્વિક સંસ્થાઓના વરિષ્ઠ પ્રતિનિધિઓએ પણ સક્રિયપણે ભાગ લીધો છે.