રિપોર્ટ@દેશ: પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરી, રશિયા-યુક્રેન યુદ્ધ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
યુક્રેનથી પરત ફર્યા બાદ પીએમ મોદી વૈશ્વિક દેશોના રાષ્ટ્રપતિઓ અને વડાપ્રધાનો સાથે વાત કરી રહ્યા છે. આજે પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી હતી. તેમણે રશિયા-યુક્રેન યુદ્ધ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતાં. યુક્રેનની તાજેતરની મુલાકાત અને તે દરમિયાનના અનુભવો વિશે પુતિનને માહિતી આપી હતી. વડાપ્રધાને ટ્વિટ કર્યું કે તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ભારત-રશિયા વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી છે.
રશિયા-યુક્રેન યુદ્ધ અને તેમની તાજેતરની યુક્રેન મુલાકાત વિશે વાત કરી હતી. તેઓએ આ યુદ્ધને ઝડપથી, સ્થાયી ધોરણે અને શાંતિપૂર્ણ નિરાકરણને સમર્થન આપતાં બંધ કરવાની ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.હાલમાં જ વડાપ્રધાન યુક્રેનની મુલાકાતે હતા. જેમાં તેમણે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પૂર્ણ કરવા અને શાંતિનો માર્ગ અપનાવવા અપીલ કરી હતી. વધુમાં ઝેલેન્સ્કીને કહ્યું હતું કે, ભારત યુક્રેન શાંતિ વાર્તાનું નેતૃત્વ કરી શકે છે. તેના માટે તે તૈયાર છે.
વિદેશ મંત્રાલયે કહ્યું કે રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથેની વાતચીત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22મી ભારત-રશિયા દ્વિપક્ષીય સમિટમાં ભાગ લેતાં ગતમહિને લીધેલ રશિયાની સફળ મુલાકાતને પણ યાદ કરી હતી. બંને નેતાઓએ અનેક દ્વિપક્ષીય મુદ્દાઓ પર પ્રગતિની સમીક્ષા કરી. તેઓએ પરસ્પર હિતના અનેક પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું.