રિપોર્ટ@દેશ: PM મોદીએ પાકિસ્તાન પર કર્યો કટાક્ષ, 'આતંકવાદીઓ હવે પોતાના ઘરમાં પણ સુરક્ષિત નથી'
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પાકિસ્તાનનું નામ લીધા વિના પીએમ મોદીએ પાકિસ્તાનને પડકાર ફેંકતા કહ્યું કે, 'ભારત હવે બદલાઈ ગયું છે. આતંકીઓ હવે પોતાના ઘરમાં પણ સુરક્ષિત રહી શકતા નથી.' એક કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ આતંકવાદ, વિકાસ અને તેમની સરકારની નીતિઓ વિશે વિગતવાર ચર્ચા કરી હતી. મુંબઈમાં 26/11ના આતંકવાદી હુમલાના અહેવાલોનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'આજે મેં એક પ્રદર્શનમાં 26/11 હુમલા સાથે સંબંધિત અહેવાલો જોયા. તે સમયે આતંકવાદ ભારતીયો માટે મોટો ખતરો હતો અને લોકો પોતાને અસુરક્ષિત અનુભવતા હતા. હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, આતંકીઓ પોતાના ઘરમાં પણ પોતાને સુરક્ષિત અનુભવતા નથી.
'સરકારની નીતિઓની સ્પષ્ટતા કરતાં વડાપ્રધાને કહ્યું કે, 'અમારી સરકારે હંમેશા વિકાસને પ્રાથમિકતા આપી છે અને મતબૅંકની રાજનીતિથી દૂર રહ્યા છીએ. અમારી સરકારનો સ્પષ્ટ ઉદ્દેશ્ય લોકો માટે, લોકો દ્વારા વિકાસ છે. અમે માત્ર જનહિતની દિશામાં કામ કરી રહ્યા છીએ.'વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, 'અમારું ધ્યેય ભારતને એક સમૃદ્ધ અને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું છે. ભારતીયોએ અમને તેમનો વિશ્વાસ આપ્યો છે અને અમે તે વિશ્વાસને પૂરી ઇમાનદારી સાથે પૂર્ણ કરી રહ્યા છીએ' આ ઉપરાંત તેમણે સોશિયલ મીડિયા દ્વારા ફેલાવવામાં આવી રહેલી ખોટી માહિતી અને અફવાઓનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે,'અમારી સરકાર મક્કમ અને અડગ છે.'