રિપોર્ટ@દેશ: પીએમ મોદીએ ભારતમાં ફિનટેક ક્રાંતિ પર સવાલો ઉઠાવનારા નેતાઓ પર કર્યો કટાક્ષ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં ફિનટેક ક્રાંતિ પર સવાલો ઉઠાવનારા નેતાઓ પર કટાક્ષ કર્યો અને કહ્યું કે આ લોકો કહેતા હતા કે ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી. PM મોદીએ આજે મુંબઈમાં Jio કન્વેન્શન સેન્ટરમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ દરમિયાન લોકોને સંબોધિત કરતી વખતે આ વાત કહી. તેઓએ કહ્યું કે જ્યારે માતા સરસ્વતી જ્ઞાન વહેંચી રહી હતી ત્યારે આવા લોકો રસ્તામાં જ ઉભા હતા. પોતાના સંબોધનની શરૂઆત કરતા કહ્યું કે આજે સપનાના શહેર મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે. તેમણે કહ્યું કે એક સમય હતો જ્યારે લોકો ભારત આવતા હતા અને આપણી સાંસ્કૃતિક વિવિધતા જોઈને આશ્ચર્ય પામતા હતા.
છેલ્લા 10 વર્ષમાં ફિનટેક સેક્ટરમાં $31 બિલિયનનું રોકાણ કરવામાં આવ્યું છે.વડાપ્રધાને ભારતમાં સસ્તા મોબાઈલ ફોન, ડેટા અને ઝીરો બેલેન્સ જનધન બેંક ખાતાનો ઉલ્લેખ કર્યો અને પછી વિપક્ષ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું, "તમને યાદ હશે કે પહેલા કેટલાક લોકો સંસદમાં ઉભા થઈને પૂછતા હતા. પોતાને ખૂબ વિદ્વાન માનતા લોકો પૂછતા હતા. સરસ્વતી જયારે બુદ્ધિ વહેંચી રહી હતી તો તેઓ રસ્તામાં પહેલા ઉભા હતા. તેઓ કહેતા હતા કે ભારતમાં બેંકની એટલી શાખાઓ, ઇન્ટરનેટ અને બેંકો નથી. એમ પણ કહી દેતા હતા કે ભારતમાં વીજળી પણ નથી."
તેઓએ આગળ કહ્યું, "તેઓ કહેતા હતા કે ફિનટેક ક્રાંતિ કેવી રીતે થશે. આ પૂછવામાં આવતું હતું અને મારા જેવા ચાવાળાને પૂછવામાં આવતું હતું. પરંતુ આજે જુઓ, માત્ર એક દાયકામાં ભારતમાં બ્રોડબેન્ડ યુઝર્સ 6 કરોડથી વધીને 94 કરોડ થઈ ગયા છે. આજે 18 વર્ષથી વધુ ઉંમરનો ભાગ્યે જ કોઈ ભારતીય હશે જેની પાસે ડિજિટલ ઓળખ એટલે કે આધાર કાર્ડ નથી. આજે 53 કરોડથી વધુ લોકો પાસે જન ધન બેંક ખાતા થઈ ગયા છે. 10 વર્ષમાં યુરોપિયન યુનિયનની વસ્તી જેટલા લોકોને બેંકિંગ સિસ્ટમ સાથે જોડ્યા છે." કહ્યું કે અમે સાયબર ફ્રોડને રોક્યું છે. બેંકિંગને ગામે-ગામ સુધી ફેલાવ્યું છે. ફિનટેકે નાણાકીય સેવાઓને લોકતાંત્રિક બનાવી છે. આજે, સેંકડો સરકારી યોજનાઓનો લાભ ડિજિટલ માધ્યમથી મળી રહ્યો છે.