રિપોર્ટ@દેશ: PM મોદી આજે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી પ્રચારનો કરશે શંખનાદ, ડોડામાં રેલીને સંબોધિત કરશે

 
મોદી

ભાજપ જમ્મુની તમામ 43 સીટો પર ચૂંટણી લડી રહી છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

જમ્મુ કાશ્મીરમાં યોજાઈ રહેલી વિધાનસભાની ચૂંટણીમાં તમામ પક્ષોએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. ભાજપ પણ મિશન 50માં વ્યસ્ત છે. ભાજપ ઘાટીમાં કમળ ખીલવવાનો પ્રયાસ કરી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાશ્મીરમાંથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. તેઓ આજે સવારે 11 વાગ્યે ડોડામાં રેલીને સંબોધિત કરશે. કાશ્મીર- ડોડામાં ચાર દાયકા એટલે કે 45 વર્ષ બાદ વડાપ્રધાનની આ પહેલી રેલી હશે. 1979માં ઈન્દિરા ગાંધીએ ડોડામાં રેલી યોજી હતી.

ચૂંટણીની જાહેરાત થયા બાદ પીએમ મોદીની જમ્મુ-કાશ્મીરની આ પહેલી મુલાકાત છે. ડોડા ઘણા દાયકાઓથી આતંકવાદથી પ્રભાવિત હોઈ પીએમ મોદીની રેલી માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રેલી સ્થળ પર ડ્રોનથી નજર રાખવામાં આવશે. આ માટે સમગ્ર સંકુલને સીલ કરી દેવામાં આવ્યું છે. આસપાસના વિસ્તારોમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. ડોડા સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં ઐતિહાસિક ચૂંટણી કાર્યક્રમ યોજાશે. ડોડામાં પીએમની રેલીની ચિનાબ ક્ષેત્રની 8 વિધાનસભા બેઠકો પર ખાસ અસર પડશે. જેમાં ડોડા, ડોડા પશ્ચિમ, ભદ્રવાહ, કિશ્તવાડ, ઇન્દ્રવલ, પાડર-નાગસેની, રામબન અને બનિહાલ.

ભાજપના મિશન 50 માટે તમામ બેઠકો મહત્વપૂર્ણ છે. ભાજપ જમ્મુની તમામ 43 સીટો પર ચૂંટણી લડી રહી છે.જમ્મુ-કાશ્મીરની 90 વિધાનસભા બેઠકો પર ત્રણ તબક્કામાં મતદાન થશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 18મી સપ્ટેમ્બરે, બીજા તબક્કાનું 25મી સપ્ટેમ્બરે અને ત્રીજા તબક્કાનું મતદાન 1લી ઓક્ટોબરે થશે. ચૂંટણીનું પરિણામ 8મી ઓક્ટોબરે આવશે.પીએમ મોદી ડોડા બાદ હરિયાણા જશે. હરિયાણા ભાજપે આ રેલીને ઐતિહાસિક બનાવવા માટે તમામ તાકાત લગાવી દીધી છે. પીએમ મોદી કુરુક્ષેત્રના થીમ પાર્કમાં બપોરે 2 વાગે રેલીને સંબોધિત કરશે.