રીપોર્ટ@દેશ: વડાપ્રધાન મોદી આજે 20 રાજ્યોમાં 75 અમૃત ભારત સ્ટેશનોનું ભવ્ય ઉદ્ઘાટન કરશે

 
મોદી
આ મેગા પ્રોજેક્ટ પાછળ કુલ 1570 કરોડ રૂપિયાનો ખર્ચ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ‘અમૃત ભારત રેલવે સ્ટેશન’ યોજના હેઠળ દેશના 20 રાજ્યોમાં ફેલાયેલા 75 પુનર્વિકસિત અમૃત ભારત સ્ટેશનોનું ભવ્ય ઉદ્ઘાટન કરશે. આ મેગા પ્રોજેક્ટ પાછળ કુલ 1570 કરોડ રૂપિયાનો માતબર ખર્ચ કરવામાં આવ્યો છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય રેલવેના મુસાફરોને એરપોર્ટ જેવી વર્લ્ડ ક્લાસ સુવિધાઓ આપવાનો અને તેમની સફરને વધુ આરામદાયક બનાવવાનો છે. આ તમામ 75 રેલવે સ્ટેશનોને અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવ્યા છે. હવે મુસાફરોને ભારે સામાન લઈને સીડીઓ ચઢવાની જરૂર નહીં પડે, કારણ કે દરેક મુખ્ય પ્લેટફોર્મ પર હાઇ-સ્પીડ એસ્કેલેટર (સરકતી સીડી) અને લિફ્ટ લગાવવામાં આવી છે.

આ પ્રોજેક્ટની ખાસ વાત એ છે કે દરેક સ્ટેશનને તે શહેરની સ્થાનિક સંસ્કૃતિ, ઇતિહાસ અને સ્થાપત્ય કલા (આર્કિટેક્ચર)ને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે. જેમ કે પંજાબના સ્ટેશનો પર ત્યાંનો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો દેખાશે, તો રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના સ્ટેશનો પર પરંપરાગત કલા અને ઐતિહાસિક વૈભવની ઝાંખી કંડારવામાં આવી છે. આ પ્રયોગથી સ્ટેશનો માત્ર સુંદર જ નહીં દેખાય, પરંતુ સ્થાનિક પ્રવાસન (ટુરિઝમ)ને પણ મોટો વેગ મળશે.

આ યોજના અંતર્ગત મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઓડિશા, કેરળ અને ગુજરાતના સૌથી વધુ રેલવે સ્ટેશનોનો કાયાકલ્પ કરવામાં આવ્યો છે. ગુજરાતની વાત કરીએ તો વડોદરાનું પ્રતાપનગર સ્ટેશન 72 કરોડના ખર્ચે, જ્યારે ગોધરા (6 કરોડ), પોરબંદર (7 કરોડ) અને ભક્તિનગર (24 કરોડ) સ્ટેશનોને આધુનિક ઓપ આપવામાં આવ્યો છે.