રીપોર્ટ@ગુજરાત: PM મોદી ભાવનગરની મુલાકાત લેશે, રૂ.100 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 20 સપ્ટેમ્બરના રોજ PM મોદી ભાવનગરની મુલાકાત લેશે, જ્યાં તેઓ અનેક વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે. આ મુલાકાત દરમિયાન, PM ભાવનગરમાં રૂ. 100 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપશે. આ કાર્યક્રમોમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડ (GMB) અને શિપિંગ ઉદ્યોગ સંબંધિત પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ સામેલ છે. PM ની આ મુલાકાત સૌરાષ્ટ્ર અને ખાસ કરીને ભાવનગરના વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
PM મોદીના સ્વાગત માટે ભાવનગર શહેરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. PM ના આગમન સાથે જ એરપોર્ટથી મહિલા કોલેજ સુધી એક ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોડ શોમાં હજારોની સંખ્યામાં લોકો અને ભાજપના કાર્યકરો ઉમટી પડશે તેવી અપેક્ષા છે. આ રોડ શો બાદ PM ભાવનગરના જવાહર મેદાનમાં એક વિશાળ જાહેરસભાને સંબોધશે. આ સભામાં તેઓ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અને ભવિષ્યના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ અંગે વાત કરશે.
સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ કાર્યક્રમોની તમામ તૈયારીઓ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવી રહી છે. PM ની આ મુલાકાત માત્ર વિકાસ કાર્યો પૂરતી સીમિત નથી, પરંતુ તેના રાજકીય પરિણામો પણ જોવા મળશે. ભાવનગર એ સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર છે, અને અહીંથી યોજાતો PM નો રોડ શો અને જાહેરસભા સમગ્ર પ્રદેશના રાજકીય માહોલને ગરમ કરશે.