કાર્યવાહી@અમદાવાદ: ડ્રગ્સની હેરાફેરીના વધુ એક રેકેટનો પર્દાફાશ, બેંગકોકથી લાવવામાં આવેલો 6 કિલો ગાંજો જપ્ત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ બેંગકોકથી આવેલા એક પેસેન્જર પાસેથી 6.540 કિલોગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ મારફતે કિંમતી નશીલા પદાર્થની તસ્કરી કરવા બદલ આરોપી પેસેન્જર સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે.
એર ઈન્ટેલિજન્સ યુનિટની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે બેંગકોકથી આવી રહેલી ફ્લાઈટમાં ડ્રગ્સનો જથ્થો લવાઈ રહ્યો છે. થાઈ એરવેઝ ઈન્ટરનેશનલની ફ્લાઈટ નંબર TG-343 દ્વારા આ પેસેન્જર બેંગકોકથી અમદાવાદ પહોંચ્યો હતો. એક શંકાસ્પદ પેસેન્જરને અટકાવીને જ્યારે તેના સામાનનું સ્કેનિંગ અને તપાસ કરવામાં આવી, ત્યારે તેની ટ્રોલી બેગમાંથી 6 વેક્યુમ સીલ કરેલા પેકેટો મળી આવ્યા હતા. આ પેકેટો ખોલતા તેમાંથી લીલા રંગનો સૂકા છોડ જેવો પદાર્થ મળ્યો હતો.
એરપોર્ટ પર જ પ્રાથમિક ટેસ્ટ કરવામાં આવતા તે ગાંજો હોવાનું સ્પષ્ટ થયું હતું.પકડાયેલા આરોપીની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. પકડાયેલો શખસ મૂળ છત્તીસગઢના રાયપુરનો રહેવાસી છે. ખાસ વાત એ છે કે આ પેસેન્જરની આ આખી જિંદગીની પહેલી જ વિદેશ યાત્રા હતી. પહેલા પ્રવાસમાં જ તે મોટી કમાણીની લાલચે ડ્રગ્સ માફિયાઓ માટે 'ડ્રગ કેરિયર' બનીને ગાંજાની હેરાફેરી કરતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો.એરપોર્ટ સુરક્ષા એજન્સીઓ અને પોલીસ હવે આ કેસના મૂળ સુધી પહોંચવા કવાયત હાથ ધરી રહી છે.

