રિપોર્ટ@દેશ: કોચિંગ સેન્ટરમાં થયેલા અકસ્માત બાદ રાજકારણ ગરમાયું, રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દિલ્હીના રાજેન્દ્ર નગરમાં કોચિંગ સેન્ટરમાં થયેલા અકસ્માત બાદ રાજકારણ પણ ગરમાયુ છે. લોકસભા ચૂંટણીમાં દિલ્હીની 7 સીટો પર એકસાથે ચૂંટણી લડી રહેલી કોંગ્રેસ પણ ખુલ્લેઆમ AAP સરકાર સામે આવી છે. દિલ્હી કોંગ્રેસે ભોંયરામાં પાણી ભરાઈ જવાથી મૃત્યુ પામેલા 3 વિદ્યાર્થીઓને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.વિપક્ષના નેતા અને સાંસદ રાહુલ ગાંધી, પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ આ બેદરકારી પર સવાલ ઉઠાવ્યા છે.
રાહુલ ગાંધીએ આ દુર્ઘટના માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સિસ્ટમને જવાબદાર ગણાવી હતી, તો પ્રિયંકા ગાંધીએ તેને ગુનાહિત અને બેજવાબદાર ગણાવ્યું હતું.રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, "દિલ્હીમાં એક બિલ્ડિંગના ભોંયરામાં પાણી ભરાવાને કારણે વિદ્યાર્થીઓનું મૃત્યુ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. થોડા દિવસો પહેલા વરસાદ દરમિયાન વીજ શોક લાગવાથી એક વિદ્યાર્થીનું મોત થયું હતું. હું તમામ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરું છું."
એમને આગળ લખ્યું કે "ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આ કોમ્પ્લેકસ સિસ્ટમની નિષ્ફળતા છે. સામાન્ય નાગરિકો અસુરક્ષિત બાંધકામ, નબળા ટાઉન પ્લાનિંગની કિંમત પોતાના જીવ ગુમાવીને ચૂકવી રહ્યા છે. સુરક્ષિત અને આરામદાયક જીવન એ દરેક નાગરિકનો અધિકાર છે અને આ સરકારની જવાબદારી છે."કોચિંગ સેન્ટરની દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા પ્રિયંકા ગાંધીએ લખ્યું કે દિલ્હીમાં કોચિંગ સેન્ટરના ભોંયરામાં પાણી ભરાવાને કારણે ત્રણ વિદ્યાર્થીઓના મોતની ઘટના ઘણી ચોંકાવનારી છે. બેદરકારી અને અવ્યવસ્થા એટલી છે કે જે બાળકો પોતાના સપના પૂરા કરવા માટે દૂર દૂરથી અહીં આવે છે, તેમની જિંદગી પણ તેમની પાસેથી છીનવાઈ રહી છે.