રીપોર્ટ@દેશ: મલ્લિકાર્જુન ખડગેએ દિવાળીને 'ખુશીઓની ઈદ' ગણાવતા રાજકારણ ગરમાયું

 
ખડકે
આ નિવેદન પર ભારતીય જનતા પાર્ટીએ આકરી પ્રતિક્રિયા આપી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દિવાળીના પર્વે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના એક નિવેદનને લઈને રાજકીય ચર્ચા શરૂ થઈ ગઈ છે. દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવતાં ખડગેએ આ તહેવારને 'ખુશીઓની ઈદ' ગણાવ્યો હતો.તેમણે કહ્યું હતું કે દિવાળી અનેક દિવસો સુધી ચાલતો ખુશીઓનો તહેવાર છે, જે લોકોને એકસાથે લાવે છે અને પરિવારજનો તથા પ્રિયજનોને મળવાની તક આપે છે. આ નિવેદન પર ભારતીય જનતા પાર્ટીએ આકરી પ્રતિક્રિયા આપી છે. ખડગેએ દિવાળીની શુભેચ્છા પાઠવતાં કહ્યું હતું કે દિવાળી ભારતનો મુખ્ય તહેવાર છે, જેને તમામ લોકો સાથે મળીને ઉજવે છે.

તેમણે દિવાળીને ખુશીઓ, હળીમળીને રહેવા અને પરસ્પર સદભાવનાનું પ્રતીક ગણાવ્યું હતું. ખડગેએ કહ્યું હતું કે, ‘દિવાળી ખુશીઓની ઈદ છે, અનેક દિવસો સુધી ચાલતી ઈદ છે.’ તેમનો સંદેશ તહેવારના માધ્યમથીસામાજિક એકતા અને ભાઈચારાને મજબૂત બનાવવાનો હતો. તેમના નિવેદન બાદ ભાજપે તેને રાજકીય મુદ્દો બનાવ્યો હતો. ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ કોંગ્રેસને ‘એન્ટી-સનાતની’ ગણાવીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે, ‘કોંગ્રેસ અધ્યક્ષે દિવાળીને ખુશીઓની ઈદ ગણાવી છે!’ ભંડારીએ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ દિવાળીના દિવસે પણ તુષ્ટિકરણની રાજનીતિ અને વોવોટબેંકની રાજનીતિ કરી રહી છે. તેમણે પોતાની પોસ્ટમાં સોનિયા ગાંધીના બાબરી મસ્જિદ સાથે જોડાયેલા કથિત નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો હતો. ભંડારીએ લખ્યું હતું કે એક દિવસ પહેલાં સોનિયા ગાંધી બાબરી માટે દુઃખ વ્યક્ત કરી રહ્યાં હતાં અને હવે ખડગે દિવાળીના સંદેશમાં તુષ્ટિકરણની રાજનીતિ કરી રહ્યા છે.

ખડગેએ પોતાના દિવાળીના સંદેશમાં માત્ર શુભેચ્છાઓ જ નહીં, પરંતુ દેશમાં શાંતિ અને પરસ્પર સદભાવના જાળવવાની અપીલ પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે જે લોકો એકબીજા સાથે ઝઘડી રહ્યા છે, તેમણે પોતાની ગેરસમજ દૂર કરીને મતભેદો ભૂલી જવા જોઈએ. કોંગ્રેસ અધ્યક્ષે વધુમાં કહ્યું કે દેશની રક્ષા કરવા અને તેને એકજૂથ રાખવા દરેક નાગરિકે પૂરા દિલથી કામ કરવું જોઈએ. તેમના મતે દેશની એકતા અને શાંતિ જાળવવી દરેક નાગરિકની જવાબદારી છે.

દિવાળીના સંદેશ દરમિયાન ખડગેએ રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવામાં આવેલા ચર્ચાના પડકારનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીને ચર્ચા માટે આમંત્રણ આપ્યું છે, પરંતુ વડાપ્રધાન આગળ આવી રહ્યા નથી.આ તેમની પોતાની મરજી છે.’ ખડગેએ સ્પષ્ટતા કરી હતી કે કોંગ્રેસની રાજકીય લડાઈ વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ સામે છે, કોઈ અન્ય વ્યક્તિ સામે નથી. દિવાળીના શુભેચ્છા સંદેશથી શરૂ થયેલો આ મામલો હવે કોંગ્રેસ અને ભાજપ વચ્ચેની રાજકીય નિવેદનબાજીનો મુદ્દો બન્યો છે.