રીપોર્ટ@દેશ: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ગુજરાત પ્રવાસે, અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે
72મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ સમારોહની અધ્યક્ષતા કરશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે 21 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાતના પ્રવાસે છે. ભારતીય સિનેમા ક્ષેત્રના સૌથી પ્રતિષ્ઠિત એવા 72મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડનું આયોજન ઈતિહાસમાં પ્રથમ વખત રાજધાની નવી દિલ્હીની જગ્યાએ ગુજરાત રાજ્યમાં થશે. આજથી 3 દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહેલા દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આ રાષ્ટ્રીય ફિલ્મ સમારોહની અધ્યક્ષતા કરશે.સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારા 72મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અધ્યક્ષતા કરશે.
ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ સમારોહમાં હાજરી આપવાની સાથે સાથે રાજ્યના અન્ય મહત્વપૂર્ણ સરકારી અને જાહેર કાર્યક્રમોમાં પણ ભાગ લેશે.આ અંગે સત્તાવાર માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, આગામી 22 સપ્ટેમ્બરે યોજાનાર રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહેશે. ભારતીય ફિલ્મ જગતના કલાકારો, દિગ્દર્શકો, નિર્માતાઓ અને ટેકનિશિયનો સહિત વિવિધ કલા-કસબીઓ પણ આ સમારોહમાં સહભાગી થશે.
23 સપ્ટેમ્બર, બુધવારના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વડોદરાની પ્રખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના 75માં વાર્ષિક દિક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરશે. જે બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બ્રહ્માકુમારીઝ સંસ્થાના સ્પિરિચ્યુઅલ અવેકનિંગ ફોર વર્લ્ડ રિન્યુઅલ અભિયાનનો પ્રારંભ કરાવશે અને નવનિર્મિત ગ્લોબલ સ્પિરિચ્યુઅલ પેલેસ રીટ્રાટ સેન્ટરનું ઉદ્ઘાટન કરશે.

