રીપોર્ટ@દેશ: વડાપ્રધાન મોદી આજથી પાંચ દેશોના પ્રવાસે રવાના, બ્રિક્સ સંમેલનમાં હાજરી આપશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડાપ્રધાન મોદી આજથી પાંચ દેશોના સત્તાવાર પ્રવાસે જવા રવાના થશે. 2 જુલાઈથી 9 જુલાઈ સુધીની આ વિદેશ યાત્રા દરમિયાન તેઓ ત્રણ દિવસ બ્રાઝિલમાં રોકાશે. તેઓ બ્રાઝિલમાં યોજાનારા બ્રિક્સ સંમેલનમાં હાજરી આપવા ઉપરાંત આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના કેટલાંક દેશોની મુલાકાત લેશે. આ દેશોમાં ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો, આર્જેન્ટિના તથા નામિબિયાનો સમાવેશ થાય છે. તેઓ સૌથી પહેલાં 2જી અને 3જી જુલાઈના રોજ ઘાના જશે. ઘાના પશ્ચિમ આફ્રિકાનું સૌથી ઝડપથી વિકસી રહેલું રાષ્ટ્ર છે. ભારત અને ઘાના વચ્ચેના વેપારી સંબંધો અત્યંત મજબૂત છે. ભારતમાં નિકાસ થતાં વૈશ્વિક સોનામાં ઘાનાનો હિસ્સો આશરે 70 ટકા જેટલો છે. ઘાનામાં તેઓ જાન્યુઆરીમાં રાષ્ટ્રપતિ પદ સંભાળનારા જ્હોન મહામાને મળી દ્વિપક્ષીય વેપારને વધુ વ્યાપક બનાવવા સહિતના મુદ્દે ચર્ચા કરશે.
ઘાના બાદ તેઓ ત્રિનિદાદ અને ટોબેગો જશે. કેરેબિયન દ્વીપ સમૂહમાં રહેતાં ભારતીય મૂળના લોકો પૈકીના 40-45 ટકા લોકો ત્રિનિદાદ અને ટોબેગોમાં વસે છે. એટલું જ નહીં ઘાનાના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસર તથા રાષ્ટ્રપતિ ક્રિસ્ટાઈન કાર્લા કાંગાલૂ પણ ભારતીય મૂળના છે. નવેમ્બર 2024માં વડાપ્રધાન મોદી ગુયાનાની મુલાકાતે ગયા હતાં. આઠ મહિનામાં વધુ એક કેરેબિયન દેશની મુલાકાત ભારત દ્વારા આ દ્વિપ સમૂહને અપાતા મહત્વને દર્શાવે છે. ભારત અને ત્રિનિદાદ ટોબેગો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર નાણાં વર્ષ 2024-25માં 341.61 મિલિયન ડોલર રહેવા પામ્યો હતો.
ત્યારબાદ તેઓ ચોથી અને પાંચમી જુલાઈ દરમિયાન આર્જેન્ટિનાની મુલાકાતે જશે. 57 વર્ષમાં આર્જેન્ટિનાની મુલાકાત લેનારા પીએમ મોદી પ્રથમ ભારતીય વડાપ્રધાન બનશે. આર્જેન્ટિનાની મુલાકાત દરમિયાન પીએમ મોદી જેવિયર મિલેઈને મળશે. અહીં બંને દેશના વડા વચ્ચે સંરક્ષણ, કૃષિ, માઈનિંગ, ઓઈલ તથા ગેસ અને ઉર્જા સહિતના ક્ષેત્રોમાં સહકાર વધારવા અંગે મંત્રણા થશે.આર્જેન્ટિનાથી તેઓ પાંચમી જુલાઈએ બ્રાઝિલ પહોંચશે. અહીં તેઓ આઠ જુલાઈ સુધીના રોકાણ દરમિયાન તેઓ બ્રિક્સ લીડર્સ સમિટમાં ભાગ લેશે. આ ઉપરાંત તેઓ બ્રાઝિલના વડાપ્રધાન લુઈઝ ઈનેસિઓ લુલા દા સિલ્વાને પણ મળી વેપાર સહિતના મુદ્દે સહયોગ વધારવા ચર્ચા કરશે.પ્રવાસના અંતિમ તબક્કામાં 9મી જુલાઈએ તેઓ નામિબિયા જશે.