રીપોર્ટ@દેશ: વડાપ્રધાન મોદી આજથી 2 દિવસ ગુજરાતની મુલાકાતે, કરોડોના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડાપ્રધાન મોદી આજથી ગુજરાતની 2 દિવસની મુલાકાતે છે, ત્યારે આજે સાંજે 5:45 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને અમદાવાદ એરપોર્ટથી નિકોલ સભા સ્થળે જશે ત્યારબાદ હરિદર્શન ચાર રસ્તાથી દોઢ કિમીનો રોડ શો યોજાશે અને સાંજે 6 થી 7 દરમિયાન નિકોલ સભામાં ઉપસ્થિત રહેશે અને નિકોલમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે, નિકોલની સભા બાદ PM મોદી રાજભવન જશે અને 26 ઓગસ્ટ 9.50 કલાકે હાંસલપુર જવા રવાના થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 અને 26 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવશે અને આ દરમિયાન ઉત્તર ગુજરાતમાં કરોડોના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેઓ અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગરમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ હેઠળ ₹1,122 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. તેમાં ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડ (UGVCL) અને ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) અંતર્ગત અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં પાંચ મુખ્ય પાવર ડિસ્ટ્રિબ્યુશન પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ મહત્વાકાંક્ષી પ્રકલ્પોથી 4.25 લાખ ગ્રાહકોને લાભ થશે. આ ઉપરાંત, તેઓ ₹96 કરોડના ખર્ચે તૈયાર થનારી મહેસૂલ વિભાગની બે અત્યાધુનિક બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરશે.વડાપ્રધાનના હસ્તે જે UGVCL પ્રોજેક્ટ્સનું લોકાર્પણ થવાનું છે, તેને ભારત સરકારની રિવેમ્પ્ડ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ (RDSS) અને નોર્મલ ડેવલપમેન્ટ (N.D.) સ્કીમના ભાગ રૂપે અમલમાં મૂકવામાં આવ્યા છે. અમદાવાદમાં ₹608 કરોડના ખર્ચે વીજળીના ઓવરહેડ સમગ્ર માળખાને અંડરગ્રાઉન્ડ કરવામાં આવ્યું છે, જેનો લાભ 2,00,593 ગ્રાહકોને થશે. આ પ્રોજેક્ટનું વડાપ્રધાનશ્રીના હસ્તે લોકાર્પણ થવાનું છે. ભૂગર્ભ સિસ્ટમથી સલામતી અને વિશ્વસનીયતા તો વધશે જ, સાથે લૉ-વોલ્ટેજ સમસ્યાઓની ગ્રાહકોની ફરિયાદો ઘટાડશે અને ટ્રાન્સફૉર્મર લોડિંગ નીચું લાવશે.
મહેસાણામાં ₹221 કરોડના ખર્ચે વીજળીના ઓવરહેડ માળખાને અંડરગ્રાઉન્ડ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનું લોકાર્પણ સેવાની ગુણવત્તા, જાહેર સલામતી અને પ્રતિકૂળ હવામાનમાં સુરક્ષા સુનિશ્ચિત કરશે. આ પ્રોજેક્ટથી 1,36,072 ગ્રાહકોને લાભ થશે. ગાંધીનગર શહેરમાં વીજળી વિતરણની ભૂગર્ભ સિસ્ટમનો પ્રોજેક્ટ ₹178 કરોડના ખર્ચે તૈયાર થયો છે, જેનો લાભ 86,014 ગ્રાહકોને થશે. આ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ્ય 2024-25 સુધીમાં વીજળીના નુકસાનને 12-15%ના રાષ્ટ્રીય બેન્ચમાર્ક સુધી ઘટાડવાનો, પુરવઠા ખર્ચ અને આવક વચ્ચેના અંતરને દૂર કરવાનો અને નાણાકીય રીતે ટકાઉ, કાર્યક્ષમ વીજ વિતરણ પ્રણાલી બનાવવાનો છે.
અમદાવાદમાં બે હાઈ-કૅપેસિટીવાળા સબસ્ટેશન શહેરમાં વીજ પુરવઠાને મજબૂત બનાવશે. ₹75 કરોડનું 66 kV ગોતા સબસ્ટેશન (60 MVA, 3 x 20 MVA ટ્રાન્સફોર્મર) 1,634 ગ્રાહકોને અવિરત વીજળી પૂરી પાડશે, જ્યારે ₹39 કરોડનું 66 kV ચાંદખેડા-II સબસ્ટેશન (60 MVA, 3 x 20 MVA ટ્રાન્સફોર્મર) 1,149 ગ્રાહકોને વીજળી પૂરી પાડશે. નવા જોડાણો બનાવવામાં અને શહેરી વીજળી પુરવઠાને વધુ સ્થિર બનાવવામાં પણ મદદ મળશે. ઉત્તર ગુજરાતમાં કુલ મળીને 4,25,000 ગ્રાહકોને આ પ્રકલ્પોનો લાભ થશે.