રીપોર્ટ@દેશ: વડાપ્રધાન મોદીએ ખેડૂતો માટે મોટો રાહતનો નિર્ણય લીધો, જાણો વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે ખેડૂતો માટે મોટો રાહતનો નિર્ણય લીધો છે. આ નિર્ણય પછી ખેડૂતોનો ખાતર પાછળ થતાં ખર્ચમાં ખુબ જ મોટા પ્રમાણમાં ઘટાડો થશે. કેમ કે 2025-26ની રવી સીઝન માટે ફોસ્ફોરસ અને પોટાશ (P&K) ખાતરો પર ન્યુટ્રિયન્ટ બેઝ્ડ સબસિડી (NBS) દરોને મંજૂરી આપી દેવામાં આવી છે. આ નિર્ણયથી અન્નદાતાઓને સસ્તા દરે ખાતર મળશે અને તેમની આવકમાં વધારો થશે, જે વડાપ્રધાને તેમના સોશિયલ મીડિયા X પોસ્ટમાં જણાવ્યું છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયના પ્રસ્તાવને મંજૂરી આપતાં, રવી સીઝન (1 ઓક્ટોબર 2025થી 31 માર્ચ 2026) માટે P&K ખાતરો પર સબસિડી દરો નક્કી કરવામાં આવ્યા છે.
આ સબસિડીથી ડાય-એમોનિયમ ફોસ્ફેટ (DAP), NPKS ગ્રેડ્સ સહિત 28 પ્રકારના P&K ખાતરો ખેડૂતોને સસ્તા દરે મળશે. રવી સીઝન માટે અંદાજિત બજેટરી જરૂરિયાત ₹37,952.29 કરોડ છે, જે ખરીફ 2025ની તુલનામાં ₹736 કરોડ વધુ છે. આ રકમ ગયા વર્ષની રવી સીઝન કરતાં ₹14,000 કરોડ વધુ છે, જે આંતરરાષ્ટ્રીય બજારમાં ખાતરના ઘટતા ભાવને ધ્યાનમાં રાખીને નક્કી કરાઈ છે. વડાપ્રધાન મોદીએ X પોસ્ટમાં કહ્યું, "અમે દેશભરના અમારા ખેડૂત ભાઈ-બહેનોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છીએ. આ દિશામાં અમારી સરકારે 2025-26ની રવી સીઝન માટે ફોસ્ફોરસ અને પોટાશ ખાતરો પર સબસિડીને મંજૂરી આપી છે. આથી અન્નદાતાઓને સસ્તા દરે ખાતર મળશે અને તેમની કમાણી પણ વધશે."
આ નિર્ણયથી ખાસ કરીને ઘઉં, ચણા, સરસો જેવા રવી પાકોના વાવેતર માટે ખાતરની માંગ વધશે, અને ખેડૂતોના ખર્ચમાં ઘટાડો થશે. NBS યોજના 2010થી ચાલુ છે, જેમાં ખાતર ઉત્પાદકો અને આયાતકર્તાઓને સીધી સબસિડી આપવામાં આવે છે, જેથી ખેડૂતોને ખાતરના રિટેલ ભાવ સ્થિર રહે. આ વખતે ફોસ્ફોરસ અને સલ્ફર પર 10% સુધી વધારો થયો છે, જે DAP અને TSP જેવા વ્યાપકપણે વપરાતા ખાતરોને સસ્તા બનાવશે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, "આ વધારો ખેડૂતોને રાહત આપશે અને ખાતરના ભાવ વધતા અટકાવશે." આ નિર્ણય ગુજરાત જેવા રાજ્યોમાં તાજેતરના વરસાદથી પીડિત ખેડૂતો માટે વિશેષ મહત્વનો છે. જ્યાં પાકના નુકસાનથી તેઓ પહેલેથી જ મુશ્કેલીમાં છે. વડાપ્રધાને વારંવાર ખેડૂત કલ્યાણ પર ભાર મૂક્યો છે, જેમ કે તાજેતરમાં ખરીફ સીઝન માટે MSPમાં વધારો અને અન્ય યોજનાઓ. આ પગલાંથી ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્ય તરફ મજબૂત પગલું માનવામાં આવે છે.

