રિપોર્ટ@દેશ: વડાપ્રધાન મોદી આજે જમ્મુ-કાશ્મીરના પ્રવાસે, કરોડોનું લોકાર્પણ કરશે

 
મોદી

1500 કરોડ રૂપિયાની 84 વિકાસ યોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વડાપ્રધાન મોદી આજથી જમ્મુ-કાશ્મીરની બે દિવસીય મુલાકાતે છે. ખાસ વાત એ છે કે પીએમ મોદી જમ્મુ-કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરશે. તેઓ શ્રીનગરમાં દાલ સરોવરના કિનારે યોગ દિવસની ઉજવણી કરશે. યોગ દિવસ પહેલા તેઓ આજે સાંજે 6 વાગ્યે યુથના એક કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમ શ્રીનગરના શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ સેન્ટરમાં યોજાશે. તાજેતરના સમયમાં આ કેન્દ્રશાસિત પ્રદેશમાં કેટલીક આતંકવાદી ઘટનાઓ પણ બની છે.

પીએમની મુલાકાતને ધ્યાનમાં રાખીને સમગ્ર શ્રીનગરને રેડ ઝોન જાહેર કરી દેવામાં આવ્યું છે. શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ સેન્ટર અને દાલ લેકની આસપાસ સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.પોતાની મુલાકાત દરમિયાન પીએમ મોદી જમ્મુ-કાશ્મીરને 1500 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સની ભેટ આપશે. આ પછી, તેઓ 21 જૂને સવારે 6:30 વાગ્યે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર શ્રીનગરમાં યોગ કાર્યક્રમમાં ભાગ લેશે.

વડાપ્રધાન વર્ષ 2015 થી દર વર્ષે યોગ દિવસ પર આયોજિત ઉજવણીનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે દિલ્હી, ચંદીગઢ, દેહરાદૂન, રાંચી, લખનૌ, મૈસુર અને ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય સહિત વિવિધ પ્રતિષ્ઠિત સ્થળોએ યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું છે. આ વર્ષે યોગ દિવસની થીમ 'સ્વ અને સમાજ માટે યોગ' છે અને વ્યક્તિગત અને સામાજિક સુખાકારીને પ્રોત્સાહન આપવામાં તેની બેવડી ભૂમિકાને પ્રકાશિત કરે છે. પીએમઓએ જણાવ્યું કે આ કાર્યક્રમ ગ્રાસરૂટની ભાગીદારીને અને ગ્રામીણ વિસ્તારોમાં યોગના પ્રસારને પ્રોત્સાહિત કરશે.