રીપોર્ટ@દેશ: વડાપ્રધાન મોદીનો મોટો નિર્ણય, ઝડપી અને કડક સજા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
NEET પેપર લીક થયા બાદ કોકરોચ જનતા પાર્ટી અને વિપક્ષ હજુ આક્રમક વલણ અપનાવતા જઈ રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પેપર લીકની ઘટનાઓ સામે સરકારના આકરા વલણની જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે દેશના યુવાનોનું હિત અને તેમનું ભવિષ્ય સરકાર માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે. યુવાનોના ભવિષ્ય સાથે રમત કરનારા દોષિતને બક્ષવામાં આવશે નહીં.
પેપર લીકના તમામ કેસોના ઝડપી નિકાલ અને દોષિતોને વહેલામાં વહેલી તકે કઠોરમાં કઠોર સજા સુનિશ્ચિત કરવા માટે સરકારે 'ફાસ્ટ ટ્રેક કોર્ટ'ની રચના કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. આ સંદર્ભે સંબંધિત વિભાગો અને અધિકારીઓને જરૂરી તમામ કાર્યવાહી ત્વરિત ધોરણે હાથ ધરવા માટે આદેશ આપી દેવામાં આવ્યા છે.વડાપ્રધાને ઉમેર્યું હતું કે, વિદ્યાર્થીઓના હિતોને સુરક્ષિત કરવા માટે સરકાર દ્વારા સતત લેવામાં આવી રહેલા નિર્ણયોની શ્રેણીમાં આ એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને સખત પગલું છે, જેનાથી ભવિષ્યમાં આવી ગડબડો અટકાવી શકાશે.

