રીપોર્ટ@દેશ: વડાપ્રધાન મોદીનું મોટું નિવેદન, 'PM હોય કે CM જામીન ન મળ્યા તો છોડવી પડશે ખુરશી'

 
મોદી
ભ્રષ્ટાચારી જેલમાં પણ જશે અને ખુરશી પણ જશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બિહારની મુલાકાતે છે. જ્યાં ગયામાં તેમણે 12,000 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કર્યુ હતું. તેમણે જનસભાને સંબોધિત કરતાં લોકસભામાં રજૂ કરવામાં આવેલા નેતા-મંત્રીઓની ધરપકડના બિલ વિશે આક્રમક અંદાજમાં નિવેદન આપ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, અમે એવો કડક કાયદો બનાવવા તરફ આગળ વધી રહ્યા છીએ, જેનો આરજેડી, કોંગ્રેસ અને લેફ્ટિસ્ટ પક્ષો વિરોધ કરી રહ્યા છે. તેઓ ગુસ્સામાં છે, ન જાણે તેમને શેનો ભય છે.

તેઓએ કહ્યું જેણે પાપ કર્યા હોય છે, તે પોતાના પાપ છુપાવે છે. પરંતુ અંદરથી જાણતો હોય છે કે, શું રમત રમાઈ છે. આ આરજેડી અને કોંગ્રેસના અનેક નેતાઓ જામીન પર બહાર છે. તો ઘણા કોર્ટના ધક્કા ખાઈ રહ્યાછે. જે જામીન પર બહાર ફરી રહ્યા છે, તે કાયદાનો વિરોધ કરે છે. તેમને લાગે છે કે, જેલમાં ગયા તો તમામ સપના ચકનાચૂર થઈ જશે. આથી સવાર-સાંજ આ લોકો મોદીને જાત-ભાતની ગાળો આપે છે. તેઓ એટલી હદે ગભરાઈ ગયા છે કે, જનહિતના કાયદાનો વિરોધ કરી રહ્યા છે. રાજેન્દ્રબાબુ અને બાબા સાહેબે ક્યારેય વિચાર્યું  ન હતું કે, સત્તાના ભૂખ્યા લોકો ભ્રષ્ટાચાર કરશે. જેલમાં જઈને પણ શાસન કરશે. હવે ભ્રષ્ટાચારી જેલમાં પણ જશે અને ખુરશી પણ જશે.

તેમણે કહ્યું કે, બંધારણ દરેક જનપ્રતિનિધિ પાસે પ્રમાણિકતા અને પારદર્શિતાની અપેક્ષા રાખે છે. અમે બંધારણની મર્યાદાનો લાભ લેતાં જોઈ શકીશુ નહીં. આથી એનડીએ સરકાર ભ્રષ્ટાચાર વિરૂદ્ધ એક એવો કાયદો લઈ આવી છે કે, જેમાં દેશના વડાપ્રધાન, મુખ્યમંત્રી અને મંત્રીઓને પણ સામેલ કરવામાં આવ્યા છે. પીએમ હોય કે સીએમ કે પછી મંત્રી, ધરપકડના 30 દિવસની અંદર જામીન ન મળ્યા તો 31માં દિવસે તેમણે ખુરશી છોડવી પડશે.