રિપોર્ટ@દેશ: વડાપ્રધાન મોદીનું મહાકુંભના સમાપન પર નિવેદન, જાણો વિગતવાર

 
મોદી
વડાપ્રધાન મોદીએ જનતાની માફી પણ માંગી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પીએમ નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજમાં સંપન્ન થયેલાં મહાકુંભને લઈને એક બ્લોગ લખ્યો છે. જેમાં તેમણે આ આયોજનને એકતાનો મહાકુંભ કહ્યો છે. કહ્યું કે, સમાજના દરેક વર્ગ અને દરેક ક્ષેત્રના લોકો મહાકુંભમાં એક થઈ ગયાં. આ આયોજનની સફળતાને લઈને તેઓ સોમનાથ દર્શ માટે જશે અને દરેક ભારતીયો માટે પ્રાર્થના કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના બ્લોગમાં લખ્યું કે, 'મહાકુંભ સંપન્ન થયો. એકતાનો મહાયજ્ઞ સંપન્ન થયો.પ્રયાગરાજમાં એકતાના મહાકુંભમાં સંપૂર્ણ 45 દિવસ સુધી જે પ્રકારે 140 કરોડ દેશવાસીઓની આસ્થા એકસાથે, એક સમયે આ એક પર્વથી આવીને જોડાઈ, આ અદ્ભુત છે! મહાકુંભના પૂર્ણ થતાં જે વિચાર મનમાં આવ્યો તેને મેં લખવાનો પ્રયાસ કર્યો છે.' પોતાના આ બ્લોગમાં વડાપ્રધાન મોદીએ જનતાની માફી પણ માંગી છે. લખ્યું કે, 'મહાકુંભ સંપન્ન થયો. એકતાનો મહાયજ્ઞ સંપન્ન થયો. હવે એક રાષ્ટ્રની ચેતના જાગૃત થઈ છે, જ્યારે તે સેંકડો વર્ષની ગુલામીની માનસિકતાના તમામ બંધનોને તોડીને નવા ચૈતન્ય સાથે હવામાં શ્વાસ લેવા લાગે છે, તો આવું જ દ્રશ્ય ઉત્પન્ન થાય છે, જેવું આપણ 13 જાન્યુઆરી બાદથી પ્રયાગરાજમાં એકતાના મહાકુંભમાં જોયું.

22 જાન્યુઆરી, 2024 ના દિવસે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં મેં દેવભક્તિ સાથે દેશભક્તિની વાત કહી હતી. પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન દેવી-દેવતા જોડાયા, સંત-મહાત્મા જોડાયા, બાળકોથી લઈને વડીલો જાડાયા, મહિલા-યુવા જોડાયા અને આપણે દેશની જાગૃત ચેતનાને સાક્ષાત્કાર કરી. આ મહાકુંભ એકતાનો મહાકુંભ હતો, જ્યાં 140 કરોડ દેશવાસીઓની આસ્થા એકસાથે એક સમયે આ પર્વ સાથે જોડાઈ હતી.'વધુમાં લખ્યું કે, 'તીર્થરાજ પ્રયાગના આ વિસ્તારમાં એકતા સમરસતા અને પ્રેમનો પવિત્ર વિસ્તાર શ્રૃંદવેરપુર પણ છે, જ્યાં પ્રભુ શ્રીરામ અને નિષાદરાજનું મિલન થયું હતું. તેમના મિલનનો આ પ્રસંગ પણ આપણાં ઈતિહાસમાં ભક્તિ અને સદ્ભાવના સંગમની જેમ છે.

પ્રયાગરાજનું આ તીર્થ આજે પણ આપણને એકતા અને સમરસતાની પ્રેરણા આપે છે. જે પ્રકારે એકતાના મહાકુંભમાં દરેક શ્રદ્ધાળુ, બાળક હોય કે વૃદ્ધ હોય, દેશ-વિદેશથી આવ્યા હોય, ગામ કે શહેરના હોય, પૂર્વ-પશ્ચિમ કે ઉત્તર-દક્ષિણથી હોય, કોઈપણ જાતિનું હોય, તમામ એક મહાયજ્ઞ માટે એકતાના માહકુંભમાં એક થઈ ગયાં. એક ભારત-શ્રેષ્ઠ ભારતનું આ ચીર સ્મરણીય દ્રશ્યસ કરોડો દેશવાસીઓમાં આત્મવિશ્વાસના સાક્ષાત્કારનો મહાપર્વ બની ગયો. હવે આ પ્રકારે આપણે એક થઈને વિકસિત ભારતના મહાયજ્ઞ માટે જોડાઈ જવાનું છે.'આ સિવાય વડાપ્રધાને લોકોની માફી માંગતા કહ્યું કે, 'હું જાણું છું કે, આટલું વિશાળ આયોજન સરળ નહતું. હું મા ગંગા, મા યમુના, મા સરસ્વતીને પ્રાર્થના કરૂ છું કે, મા અમારી આરાધનામાં કોઈ કમી રહી ગઈ હોય તો માફ કરજો...! જનતા જનાર્દન, જે મારા માટે ઈશ્વરનું જ સ્વરૂપ છે, શ્રદ્ધાળુઓની સેવામાં જો અમારા તરફથી કોઈ કમી રહી ગઈ હોય તો હું જનતા જનાર્દનની માફી માંગુ છું.