રિપોર્ટ@દેશ: પ્રિયંકા ગાંધીએ NEET મામલે ભાજપ પર કર્યા આકરા પ્રહારો, 'લાખો યુવાનોનું ભવિષ્ય બરબાદ કરી દીધું'

 
પ્રિયંકા ગાંધી
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સાથીઓએ NEET પરીક્ષા કૌભાંડનો વિરોધ કર્યો હતો.

​​​​​​અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

NEET પેપર લીક થયા બાદ UGC નેટની પરીક્ષા પણ રદ કરવામાં આવી છે. વિપક્ષ આ મામલાને લઈને ભારે નારાજ છે. આ વચ્ચે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ આ મામલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે.પ્રિયંકા ગાંધીએ સતત સામે આવી રહેલા પેપર લીકના મુદ્દે ભાજપ સરકારની ટીકા કરી અને આરોપ લગાવ્યો કે, ભાજપના શાસનમાં આ એક રાષ્ટ્રીય મુદ્દો બની ગયો છે, જેણે લાખો યુવાનોનું ભવિષ્ય બરબાદ કરી દીધું છે.

કૌભાંડમાં 24 લાખ વિદ્યાર્થીઓને ન્યાયની માંગણી કરીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે, આજે દેશભરમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સાથીઓએ NEET પરીક્ષા કૌભાંડનો વિરોધ કર્યો હતો.તેમણે વધુમાં કહ્યું કે, ભાજપના શાસનમાં ભરતીમાં ભ્રષ્ટાચાર, પેપર લીક અને શૈક્ષણિક કૌભાંડો દેશના ભવિષ્યને અંધકારમાં ધકેલી રહ્યા છે. ભ્રષ્ટાચારની આ રમત તાત્કાલિક બંધ થવી જોઈએ. અમારી માંગ છે કે, NEET પરીક્ષામાં થયેલા કૌભાંડ સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવે જેથી 24 લાખ યુવાનોને ન્યાય મળે.

ભારત વિશ્વનો સૌથી યુવા દેશ છે. અમારી પાસે સૌથી વધુ યુવા વસ્તી છે. ભાજપ સરકાર આ યુવાનોને કુશળ અને સક્ષમ બનાવવાને બદલે તેમને નબળા બનાવી રહી છે. NEET પરીક્ષા 5 મેના રોજ લેવામાં આવી હતી, જેમાં લગભગ 24 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જોકે, 4 જૂને પરિણામ જાહેર થયા બાદ પેપર લીક થયાના આક્ષેપો થયા હતા.