રીપોર્ટ@દેશ: રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કર્યા પ્રહાર, FIR કરો કે વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ લાવો, હું ખેડૂતો માટે સતત લડતો રહીશ'
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુ અને ભાજપ સાંસદ નિશિકાંત દુબેને જાહેરમાં પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યું છે કે, મારા વિરુદ્ધ એફઆઈઆર કરો કે પછી સંસદમાં વિશેષાધિકાર હનનો પ્રસ્તાવ લાવો, હું ખેડૂતો માટે લડતો રહીશ.રાહુલ ગાંધીએ સંસદમાં ભાષણ આપતી વખતે ટેરિફનો ઉલ્લેખ કરીને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા, ત્યારબાદ કિરણ રિજિજુએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર રાહુલ વિરુદ્ધ વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ લાવી રહી છે, કારણ કે તેમણે ગૃહને ગેરમાર્ગે દોરી છે અને કોઈપણ આધાર વગર ગંભીર આક્ષેપો કર્યા છે.બીજીતરફ ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ ગુરુવારે કહ્યું હતું કે, તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ 'વિશિષ્ટ પ્રસ્તાવ' માટે એક નોટિસ આપી છે. આ ઉપરાંત તેમણે રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ કરવાની અને આજીવન ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવાની પણ રજૂઆત કરી છે.
રિજિજુ અને દુબેનું નિવેદન સામે આવ્યા બાદ રાહુલ ગાંધીએ ગુરુવારે સાંજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વળતો જવાબ આપતી પોસ્ટ કરી છે. તેમણે લખ્યું છે કે, 'FIR કરો, કેસ કરો કે પછી વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ લાવો, હું ખેડૂતો માટે લડતો રહીશ. કોઈપણ ટ્રેડ ડીલ ખેડૂતોની રોજગારી છિનવશે અથવા દેશની અન્ન સુરક્ષાને નબળો પાડશે તો તે કિસાન વિરોધી છે. ખેડૂત વિરોધી મોદી સરકારને અન્નદાતાઓના હિતો સાથે સમજૂતી નહીં કરવા દઈએ.' સત્તાધારી પાર્ટીએ સંસદમાં રાહુલ ગાંધીના ભાષણ મામલે વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ લાવવાની તૈયારીઓ કરી હોવાની ચર્ચાઓ શરૂ થઈ હતી. બાદમાં સત્તાધારી પક્ષે આ પ્રસ્તાવ લાવવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે. જ્યારે રાહુલને વિશેષાધિકાર હનન પ્રસ્તાવ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેઓ મીડિયાના કેટલાક લોકો પર ભડકી ગયા હતા. તેમણે પત્રકારોને પોતાના કાર્યમાં 'ઉદ્દેશ્યપૂર્ણ બની રહેવા' અને પોતાના વ્યવસાયની પવિત્રતા જાળવી રાખવા જણાવ્યું હતું.
લોકસભામાં સોમવારે ભાષણ આપતી વખતે રાહુલ ગાંધીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કેન્દ્ર સરકાર વિદેશી શક્તિઓ સામે સરેન્ડર થવાનો અને ભારત માતાને વેંચી દેવાનો આરોપ લગાવ્યો હતો. રાહુલના આ નિવેદનના કારણે ગૃહમાં હોબાળો મચી ગયો હતો અને સત્તાધારી પાર્ટીએ વિરોધ કર્યો હતો. તેઓએ વિપક્ષી નેતાની ભાષાને અસંસદીય ગણાવી વાંધો ઉઠાવ્યો હતો. ભાજપ નેતાઓએ માંગ કરી હતી કે, તેમના ભાષણને ગૃહની કાર્યવાહીમાંથી કાઢી નાખવામાં આવે.

