રીપોર્ટ@દેશ: UPI ચાર્જ મુદ્દે રાહુલ ગાંધીએ PM મોદી પર કર્યા પ્રહાર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કેન્દ્ર સરકાર દ્વારા રૂ.2,000થી વધુના મર્ચન્ટ UPI વ્યવહારો પર 0.4% મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ લાગુ કરવાના નિર્ણય સામે વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે ઝૂકી જવાનો ગંભીર આરોપ લગાવતા આ પ્રસ્તાવિત ટેક્સ તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરી છે.રાહુલ ગાંધીએ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના એક ઐતિહાસિક કિસ્સાને ટાંકીને પીએમ મોદી પર આકરો કટાક્ષ કર્યો હતો.
તેમણે કહ્યું કે, ઇન્દિરાજીને એકવાર પૂછવામાં આવ્યું હતું કે તેઓ ડાબે ઝૂકે છે કે જમણે? ત્યારે તેમણે કહ્યું હતું કે હું ટટ્ટાર ઊભી રહું છું. પરંતુ મોદીજીનો કન્સેપ્ટ સાવ અલગ છે. તેઓ ન તો લેફ્ટ છે કે ન તો રાઇટ; તેમણે સીધા ડોનાલ્ડ ટ્રમ્પ સામે નતમસ્તક થઈ જવાનો નિર્ણય કર્યો છે. મોદીજી, કૃપા કરીને અમેરિકા સામે ઝૂકવાનું બંધ કરો, થોડી હિંમત બતાવો, ટટ્ટાર ઊભા રહો અને આ UPI ટેક્સ પાછો લો. UPI પર ટેક્સ લાદીને સરકારે દરેક ભારતીય પર બોજ નાખ્યો છે અને અમેરિકન કંપનીઓને ભારે કમાણી કરવાની તક આપી દીધી છે.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર વિગતવાર પોસ્ટ શેર કરીને આક્ષેપ કર્યો કે સરકારે ગુપચુપ રીતે UPI પર ચાર્જ લગાવવાનો રસ્તો ખોલી દીધો છે. સરકારનો દાવો છે કે માત્ર ₹2,000 થી ઉપરના ટ્રાન્ઝેક્શન પર જ ચાર્જ લાગશે, જેની સંખ્યા કુલ વ્યવહારોમાં માત્ર 5% છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે UPIની કુલ વ્યવહાર મૂલ્યનો આશરે 65% હિસ્સો આ 5% ટ્રાન્ઝેક્શન્સમાં જ સમાયેલો છે. સરકારે કહ્યું છે કે ગ્રાહક પાસેથી કોઈ ફી નહીં લેવાય, પણ દુકાનદાર પર લાદવામાં આવેલી ફી આખરે ચીજવસ્તુઓની કિંમતોમાં ઉમેરાઈને સામાન્ય ગ્રાહકના ખિસ્સામાંથી જ નીકળશે.
રાહુલ ગાંધીએ સીધો પ્રહાર કરતાં જણાવ્યું કે અમેરિકન પેમેન્ટ કંપનીઓ લાંબા સમયથી ભારતની ‘ઝીરો-MDR’ નીતિનો વિરોધ કરી રહી હતી. હવે સરકારે આ નીતિ બદલીને તેમના દબાણ સામે આત્મસમર્પણ કર્યું છે. જેમ યુએસ ટ્રેડ ડીલમાં દબાણ આવ્યું હતું, તેવી જ રીતે પીએમ મોદીએ ફરી એકવાર અમેરિકા સામે શરણાગતિ સ્વીકારી લીધી છે.

