રિપોર્ટ@દેશ: NEET 2026 પેપર લીક મુદ્દે રાહુલ ગાંધીના કેન્દ્ર સરકાર પર પ્રહાર, જાણો વિગતે

 
રાહુલ ગાંધી
અંદાજે 22 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

NEET UG 2026 પરીક્ષા રદ થયા બાદ વિદ્યાર્થીઓ પછી હવે વિપક્ષ પણ ભારે નારાજ છે. નીટ પેપર લીકના તાર નાસિક-હરિયાણાથી લઈને રાજસ્થાન સુધી જોડાઈ રહ્યા છે. રાહુલ ગાંધીની પણ પહેલી પ્રતિક્રિયા આવી ગઈ છે. રાહુલ ગાંધીએ સીધો મોદી સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, આ માત્ર નિષ્ફળતા નથી, યુવાનોના ભવિષ્ય સાથેનો ગુનો છે. દર વખતે પેપર માફિયાઓ બચી નીકળે છે અને પ્રામાણિક વિદ્યાર્થીઓ સજા ભોગવે છે.

લોકસભા સાંસદ રાહુલ ગાંધીએ નીટ પરીક્ષા રદ થવા અને લીક પર સોશિયલ મીડિયા હેન્ડલ પર લાંબી-લચક પોસ્ટ કરી. રાહુલ ગાંધીએ લખ્યું કે, NEET 2026ની પરીક્ષા રદ થઈ ગઈ. 22 લાખથી વધુ વિદ્યાર્થીઓની મહેનત, ત્યાગ અને સપનાઓને આ ભ્રષ્ટ ભાજપની વ્યવસ્થાએ કચડી નાખ્યા. કોઈ પિતાએ દેવું કર્યું, કોઈ માતાએ દાગીના વેચ્યા, લાખો બાળકોએ રાત-રાતભર જાગીને અભ્યાસ કર્યો, અને બદલામાં મળ્યું - પેપર લીક, સરકારી બેદરકારી અને શિક્ષણમાં સંગઠિત ભ્રષ્ટાચાર.રાહુલે સવાલ ઉઠાવતા કહ્યું કે આ માત્ર નિષ્ફળતા નથી, યુવાનોના ભવિષ્ય સાથેનો ગુનો છે. દર વખતે પેપર માફિયાઓ બચી નીકળે છે અને પ્રામાણિક વિદ્યાર્થીઓ સજા ભોગવે છે. હવે લાખો વિદ્યાર્થીઓ ફરીથી એ જ માનસિક તણાવ, આર્થિક બોજ અને અનિશ્ચિતતાનો સામનો કરશે. જો નસીબ પરિશ્રમથી નહીં પણ પૈસા અને વગથી નક્કી થશે, તો પછી શિક્ષણનો અર્થ શું રહી જશે? વડાપ્રધાનનો કહેવાતો અમૃતકાળ, દેશ માટે વિષકાળ બની ગયો છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે 'દેશના યુવાનો સમક્ષ હું એક ગંભીર વાત રાખવા માંગુ છું. એક કામ કરો - જાતે Google કરો: 'NEET 2024ની ભયંકર ચોરી દરમિયાન NTA ના DG કોણ હતા, અને મોદી સરકારે તેમને આજે ક્યાં બેસાડ્યા છે?' જોયું? સમજાયું? BJP આ રીતે તમારા જેવા લાખો મહેનતુ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનારાઓને ઇનામ આપે છે, તેમનું રક્ષણ કરે છે, અને ઉપરથી તેમને પ્રગતિ આપે છે. સાફ છેન કે મોદીજી અને ભાજપ તમારા ભવિષ્યની ચોરીમાં પોતે ભાગીદાર છે. જે બજારમાં તમારી મહેનત અને તમારા સપનાઓની હરાજી થઈ રહી છે, તેનો એક જ નિયમ છે, જેટલી મોટી ચોરી, તેટલું મોટું ઇનામ.સમગ્ર મામલામાં સૌથી મોટો સવાલ હવે એ જ છે કે આખરે પેપર બહાર આવ્યું ક્યાંથી? તપાસ એજન્સીઓને શંકા છે કે લીક સીધું પ્રિન્ટિંગ પ્રેસ અથવા મૂળ પેપર સોર્સમાંથી થયું હોઈ શકે છે. એટલે કે મામલો માત્ર કોચિંગ સેન્ટર સુધી સીમિત નથી, પરંતુ પેપર ટ્રાન્સપોર્ટ ચેઇન અને પ્રિન્ટિંગ સિસ્ટમ સુધી પહોંચી શકે છે. આ જ કારણે હવે CBIએ તમામ સંભવિત જગ્યાઓની તપાસ કરશે, જ્યાંથી પેપર બહાર આવી શકતું હતું.

તપાસ એજન્સીઓના મુજબ કથિત પ્રશ્ન બૅંકમાં રહેલા મોટી સંખ્યામાં સવાલો અસલી પરીક્ષામાં બેઠા જોવા મળ્યા. સૂત્રોનો દાવો છે કે અંદાજે 140 સવાલો સીધા મેચ થયા. NEETમાં દરેક સવાલ 4 માર્કનો હોય છે, એટલે કે લગભગ 600 નંબર સુધીનો ફાયદો વિદ્યાર્થીઓને મળી શકતો હતો. આ જ કારણ છે કે હવે મામલો અત્યંત ગંભીર માનવામાં આવી રહ્યો છે. શિક્ષણ નિષ્ણાતોનું કહેવું છે કે કોઈ ગેસ પેપર માંથી કેટલાક સવાલો મળી જવા સામાન્ય હોઈ શકે છે, પરંતુ આટલી મોટી સંખ્યામાં પ્રશ્નો સમાન હોવા એ સંયોગ માની શકાય નહીં.NEET પરીક્ષા દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા માનવામાં આવે છે. દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ ડૉક્ટર બનવાનું સપનું લઈને આમાં સામેલ થાય છે. આ વખતે અંદાજે 22 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. હવે પરીક્ષા રદ થયા બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે નારાજગી છે.