રીપોર્ટ@દેશ: રાહુલ ગાંધીના વડાપ્રધાન મોદી સામે આકરાં પ્રહાર, 'તેમનું લોહી કેમેરા સામે જ કેમ ઉકળે છે'

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા કહ્યું કે વડાપ્રધાન મોદી કહે છે કે, 'જ્યારે પાકિસ્તાને કહ્યું કે તે હવે કોઈ આતંકવાદી પ્રવૃત્તિઓ કે સૈન્ય કાર્યવાહી નહીં કરે, ત્યારે ભારતે પણ તેના પર વિચાર કર્યો.' આ મુદ્દે રાહુલ ગાંધીએ સવાલ ઊઠાવતાં લખ્યું કે, 'મોદીજી, પોકળ ભાષણો આપવાનું બંધ કરો.' રાહુલે પીએમના ભાષણમાં એક વાક્ય પર કટાક્ષ કર્યો, જેમાં વડાપ્રધાને 'લોહી ઉકળવા' અંગે વાત કરી હતી.
રાહુલ ગાંધીએ આ ત્રણ પ્રશ્ન પૂછ્યા કે, 'મોદીજી, મને ફક્ત એટલું કહો કે, 'તમે આતંકવાદ પર પાકિસ્તાનના નિવેદન પર કેમ વિશ્વાસ કર્યો?', ટ્રમ્પ સામે ઝૂકીને તમે ભારતના હિતોનું બલિદાન કેમ આપ્યું?, તમારું લોહી ફક્ત કેમેરા સામે જ કેમ ઉકળે છે? તમે ભારતના સન્માન સાથે ચેડા કર્યા છે'. યુદ્ધવિરામ થયા બાદ કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી સરકાર સામે સતત પ્રહારો કરી રહ્યા છે.
તાજેતરમાં વડાપ્રધાન મોદીએ રાજસ્થાનના બિકાનેરમાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે પાકિસ્તાનને ફરીથી ચેતવણી આપી હતી. પીએમ મોદીએ મંચ પરથી કહ્યું કે, 'પાકિસ્તાને દરેક આતંકવાદી હુમલાની ભારે કિંમત ચૂકવવી પડશે અને આ કિંમત પાકિસ્તાનની સેના અને પાકિસ્તાની અર્થતંત્ર દ્વારા ચૂકવવામાં આવશે.' પીએમ મોદીએ એમ પણ કહ્યું કે, 'પાકિસ્તાન એક વાત ભૂલી ગયું છે કે હવે ભારત માતાનો સેવક મોદી અહીં માથું ઊંચું કરીને ઊભો છે. મોદીનું મગજ ઠંડુ રહે છે, પણ તેમનું લોહી ઉકળતું રહે છે. હવે મોદીની નસોમાં લોહી નથી, પણ ગરમ સિંદૂર વહે છે.'