રીપોર્ટ@દેશ: રાહુલ ગાંધીએ ફરી એકવાર ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા, જાણો વિગતવાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા છે. દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીના 'એન્યુઅલ લીગલ કોન્ક્લેવ' ને સંબોધતા તેમણે કહ્યું કે, 'હવે દેશમાં ચૂંટણી પંચનું કોઈ અસ્તિત્વ રહ્યું નથી. હું હાલની ચૂંટણી પ્રણાલી વિષે વાત કરી રહ્યો છું. મને 2014થી જ શંકા હતી કે આમાં કંઈક ગડબડ છે. તમને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ શંકા હતી. કોઈ એક પાર્ટીની જંગી જીતનો ટ્રેન્ડ શંકા પેદા કરે છે.'
આ અંગે વધુમાં તેઓએ કહ્યું કે, 'કોંગ્રેસ પાર્ટીને રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાતમાં એક પણ સીટ ન મળી, તે મારા માટે આશ્ચર્યજનક હતું. જ્યારે પણ અમે આ વિશે વાત કરતા, ત્યારે લોકો પૂછતા કે પુરાવા ક્યાં છે? પછી મહારાષ્ટ્રમાં કંઈક થયું. લોકસભા ચૂંટણીમાં અમે જીતી ગયા અને પછી ચાર મહિના પછી, અમે માત્ર હાર્યા જ નહીં, પરંતુ સંપૂર્ણપણે ખતમ થઈ ગયા. ત્રણ મજબૂત પક્ષો અચાનક ગાયબ થઈ ગયા!'રાહુલ ગાંધીએ કહ્યું, 'અમે ચૂંટણીની ગેરરીતિઓની ગંભીરતાથી તપાસ શરૂ કરી. અમને મહારાષ્ટ્રમાં જાણવા મળ્યું કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ વચ્ચે એક કરોડ નવા મતદારો ઉમેરાયા, જેમાંથી મોટાભાગના વોટ ભાજપને મળ્યા. હવે હું કોઈ શંકા વગર કહી શકું છું કે અમારી પાસે પુરાવા છે. અમારી પાસે એવા પુરાવા છે જે દર્શાવે છે કે ચૂંટણી પંચનું અસ્તિત્વ જ નથી.'
વધુમાં કહ્યું કે, ચૂંટણી પંચ મતદાર યાદીની ડિજિટલ કોપી આપતું નથી. આ દસ્તાવેજોને સ્કેન કરી શકાતા નથી. ચૂંટણી પંચ એવી કોપી કેમ આપે છે જેને સ્કેન ન કરી શકાય? એક લોકસભા ક્ષેત્રમાં અમે મતદાર યાદીની તપાસ કરી અને જાણ્યું કે 6.5 લાખ મતદારોમાંથી 1.5 લાખ મતદારો નકલી હતા.આ ઉપરાંત રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીમાં ધાંધલીનો આરોપ પણ લગાવ્યો. આ અંગે તેમણે કહ્યું કે, 'અમે આ સાબિત કરીશું, હવે અમારી પાસે ડેટા છે. લોકસભા ચૂંટણીમાં ગોલમાલ થઈ શકે છે અને થઈ પણ હતી. ભારતમાં ચૂંટણી પંચનું અસ્તિત્વ ખતમ થઈ ગયું છે. આ સાબિત કરવા માટે અમારી પાસે પુરાવા છે. જો તેમને 15-20 બેઠકો ઓછી મળી હોત, તો તેઓ (પીએમ મોદી) વડાપ્રધાન ન બન્યા હોત.'રાહુલ ગાંધી સહિત વિપક્ષ છેલ્લા કેટલાક સમયથી ચૂંટણી પંચ પર આક્ષેપો મૂકી રહ્યા છે.