રિપોર્ટ@દેશ: રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર કર્યો કટાક્ષ ‘PM મોદીએ યુદ્ધ રોકી દીધું પણ પેપર લીક અટકાવી ના શક્યા’

 
રાહુલ ગાંધી
યુજીસી નેટનું ફોર્મ 11 લાખથી વધુ ઉમેદવારે ફોર્મ ભર્યું હતું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મેડિકલ પ્રવેશ પરીક્ષા ‘નીટ’ની બબાલ વચ્ચે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા યોજાયેલી UGC-NET પરીક્ષા રદ થયા બાદ દેશભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે, ત્યારે યૂજીસી નીટ યૂજી પરીક્ષામાં પેપર લીક મુદ્દે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. તેઓએ કહ્યું કે, ‘ભાજપના લોકોએ તમામ શૈક્ષણિક સંસ્થાઓને કેપ્ચર કરીને રાખી છે. જ્યાં સુધી આ સંસ્થાઓને મુક્ત કરવામાં નહીં આવે, ત્યાં સુધી આવું ચાલતું રહેશે. વડાપ્રધાન મોદી પરીક્ષા લીકની સમસ્યાને રોકી શક્યા નથી. તમે એક પરીક્ષામાં ગેરરીતિ સામે આવ્યા બાદ રદ કરી છે. ખબર નથી કે બીજી રદ થશે કે નહીં.

આ મામલે કોઈક તો જવાબદાર છે અને આ માટે કેટલાકની ધરપકડ ધવી જોઈએ.’ ઉલ્લેખનીય છે કે, નીટ પરીક્ષાની બબાલ વચ્ચે નેટ પરીક્ષામાં પણ ધાંધલીના અહેવાલો સામે આવ્યા છે. નેટની પરીક્ષા યોજાયા બાદ તેને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર કટાક્ષ કરતા કહ્યું કે, ‘શિક્ષણ વ્યવસ્થાનું ડિમોનેટાઈઝેશન થઈ ગયું છે. નિષ્પક્ષ શિક્ષણ વ્યવસ્થા ધ્વસ્ત થઈ ગઈ છે. અમે આ મુદ્દાને સંસદમાં ઉઠાવીશું. નીટ અને યુજીસી નેટ પેપર લીક થયું છે. એવું કહેવાય છે કે, નરેન્દ્ર મોદીજીએ રશિયા-યૂક્રેન યુદ્ધ અટકાવ્યું હતું, તેમણે ઈઝરાયેલ-ગાઝાની લડાઈ પણ અટકાવી હતી, ભારતમાં કેટલાક કારણોસર પેપર લીક થઈ રહ્યા છે, તેને નરેન્દ્ર મોદી અટકાવી શકતા નથી કે પછી અટકાવવા માંગતા નથી.’

વધુમાં કહ્યું કે, NEETનું પેપર લીક થયું છે. ભાજપે એજ્યુકેશન સિસ્ટમ પર કબજો કર્યો છે. મહેનતુ વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી થઈ છે. દોષિતો વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. દેશના યુવાઓ સાથે રમત રમાઈ રહી છે. અમે નીટ પેપર લીકનો મુદ્દો સંસદમાં ઉઠાવીશું.ઉલ્લેખનીય છે કે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ગઈકાલે 18મી જૂને દેશના જુદાં જુદાં શહેરોમાં પેન અને પેપર બંને મોડમાં આ પરીક્ષા લેવામાં આવી હતી.

આ પરીક્ષાનું પેપર લીક થયાની ફરિયાદ મળી હતી. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય હેઠળના સાયબર ક્રાઈમ કો ઓર્ડિનેશન સેન્ટરના નેશનલ સાયબર ક્રાઈમ થ્રેટ એનાલિટિક્સ યુનિટને ચોક્કસ ઈનપૂટ પ્રાપ્ત થયા હતા. તે અનુસાર  આ પરીક્ષાનું પેપર લીક થયાનું કન્ફર્મ થયું હતું.આ રીપોર્ટ બાદ કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયે ગઈકાલે યોજાયેલી પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. હવે નવેસરથી પરીક્ષા યોજાશે. તેની તારીખ સહિતની વિગતો હવે પછી જાહેર કરાશે. સાથે સાથે  પેપર લીક થવાની સમગ્ર ઘટનાની તપાસ પણ સીબીઆઈને સોંપાવમાં આવી છે.