રીપોર્ટ@દેશ: રાજનાથ સિંહે સંસદમાં ઓપરેશન સિંદૂરને રોકવાનું સાચું કારણ જણાવ્યું, જાણો વિગતે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
લોકસભામાં ઓપરેશન સિંદૂર પર બોલતી વખતે રક્ષા મંત્રી રાજનાથ સિંહે સુંદરકાંડની તે પ્રખ્યાત પંક્તિનું પુનરાવર્તન કર્યું. એક-એક જાણકારી શેર કરતા રક્ષા મંત્રીએ વિપક્ષને પણ આડે હાથ લીધા. તેમણે વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નો પર કહ્યું કે, વિપક્ષ ખોટા પ્રશ્નો પૂછી રહ્યું છે, તેમાં હું આમાં વિપક્ષને મદદ કરી શકું છું. તેમણે વધુમાં કહ્યું કે, ભારતની કાર્યવાહી પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓની હરકતને યોગ્ય જવાબ હતો.
સેનાએ આજે જમ્મુ-કાશ્મીરમાં ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે, લોકસભામાં ચર્ચા દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર વિશે દેશને બધું જ જણાવ્યું. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, આ ઓપરેશન કોઈના પ્રેશરમાં રોકવામાં આવ્યું ન હતું. હકીકતમાં વિપક્ષ ઓપરેશનને અચાનક બંધ કરવા પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઘણી વખત કહ્યું છે કે, તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ રોકાવ્યું છે. રાજનાથ સિંહે કહ્યું કે, ભારતીય સેનાને સંપૂર્ણ આઝાદી હતી. સેનાએ પોતે જ ટાર્ગેટ સેટ કર્યા. હુમલા પછી પાકિસ્તાને હાર સ્વીકારી. પાકિસ્તાને પોતે જ ઓપરેશન રોકવાની માંગ કરી હતી.
રાજનાથે કહ્યું કે, 10 મેના રોજ પાકિસ્તાનના DGMOએ ભારતના DGMOનો સંપર્ક કર્યો અને ભારતને લશ્કરી કાર્યવાહીને રોકવાની અપીલ કરી. 12 મેના રોજ બન્ને દેશોના DGMO વચ્ચે ઔપચારિક વાતચીત થઈ અને બન્ને પક્ષોએ લશ્કરી કાર્યવાહી પર પૂર્ણવિરામ લગાવવાનો નિર્ણય લીધો. રક્ષા મંત્રીએ પોતાના ભાષણમાં ઘણી વખત પુનરાવર્તન કર્યું કે, પાકિસ્તાની DGMOએ વિનંતી કરી હતી કે, હવે બંધ કરી દો. રક્ષા મંત્રીએ એમ પણ કહ્યું કે, ઓપરેશન સ્થગિત થયું છે, સમાપ્ત થયું નથી.
ઓપરેશન સિંદૂર પર લોકસભામાં ચર્ચા દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, 'અમારી કાર્યવાહી સંપૂર્ણપણે આત્મરક્ષામાં હતી, ન તો ઉશ્કેરણીજનક હતી કે ન તો વિસ્તરણવાદી. છતાં પણ 10 મે 2025ના રોજ લગભગ બપોરે 1:30 વાગ્યાની આસપાસ પાકિસ્તાને ભારત પર મિસાઇલો, ડ્રોન, રોકેટ અને લાંબા અંતરના હથિયારોનો ઉપયોગ કરીને મોટો હુમલો કર્યો. તેમના નિશાના પર આપણા ભારતીય સૈન્ય મથકો, આર્મી ડેપો, એરપોર્ટ અને લશ્કરી છાવણીઓ હતા. મને એમ કહેતા ગર્વ થાય છે કે, આપણી ડિફેન્સ સિસ્ટમ, કાઉન્ટર ડ્રોન સિસ્ટમ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોએ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આ હુમલાને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવ્યા.'