રીપોર્ટ@દેશ: રાજનાથ સિંહના આતંકીસ્તાન પર પ્રહાર, શું પાકિસ્તાનના હાથમાં પરમાણુ શસ્ત્રો સુરક્ષિત છે?

 
Rajnath sinh
ભારતે સ્પષ્ટ દેખાડી દીધું કે, અમે આતંકવાદ વિરુદ્ધ કોઈપણ હદ સુધી જઈ શકીએ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર પાર પાડી સીધો પાકિસ્તાનની છાતી પર વાર કર્યો છે, જેને આતંકવાદીઓ અને તેના આકા પાકિસ્તાન ક્યારે ભૂલી નહીં શકે. આ તમામ ઘટના ક્રમ વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનની આકરી ઝાટકણી કાઢી છે. તેમણે વિશ્વભરને ચેતવીને કહ્યું છે કે, પાકિસ્તાન દુષ્ટ અને બેજવાબદાર દેશ છે, તેથી શું તેના હાથમાં પરમાણુ શસ્ત્રો સુરક્ષિત છે? આ સાથે તેમણે પાકિસ્તાનના પરમાણુ હથિયારો પર નજર રાખવા આંતરરાષ્ટ્રીય અણુ ઊર્જા એજન્સીને માંગ કરી છે.

જમ્મુ-કાશ્મીર ગયેલા રાજનાથ સિંહે સૈનિકો સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, ‘ઓપરેશન સિંદૂરે આતંકવાદી સંગઠનો અને પાકિસ્તાનમાં તેના આકાઓને સ્પષ્ટ સંદેશો આપી દીધો છે કે, તેઓએ પોતાને ક્યાંય પણ સુરક્ષિત ન માનવા જોઈએ. હું વિશ્વભરને સવાલ ઉઠાવવા માંગું છું કે, દુષ્ટ અને બેજવાબદાર દેશ પાકિસ્તાનના હાથમાં પરમાણુ હથિયારો સુરક્ષિત છે? તેમણે કહ્યુ કે, આંતરરાષ્ટ્રીય અણુ ઊર્જા એજન્સીએ પાકિસ્તાનના પરમાણુ હથિયારો પર નજર રાખવી જોઈએ. ભારત ક્યારેય યુદ્ધના પક્ષમાં રહ્યું નથી, પરંતુ જ્યારે આપણા સાર્વભૌમત્વ પર હુમલો થશે, ત્યારે અમે જવાબ આપીશું. આતંકવાદ પર ભારત સાથે દગો કરવાની પાકિસ્તાન ભારે કિંમત ચૂકવી રહ્યું છે અને જો આતંકવાદ ચાલુ રહેશે તો આ કિંમત વધશે.

સંરક્ષણ મંત્રીએ ઓપરેશન સિંદૂરને આતંકવાદ વિરુદ્ધની ભારતની મોટી કાર્યવાહી ગણાવતાં કહ્યું કે, ‘ભારતે વિશ્વભરને સ્પષ્ટ દેખાડી દીધું છે કે, અમે આતંકવાદ વિરુદ્ધ કોઈપણ હદ સુધી જઈ શકીએ છીએ. ઓપરેશન સિંદૂરે પાકિસ્તાનની છાતીમાં ઘા કર્યો છે અને તેના ઘાનો એકમાત્ર ઇલાજ આતંકવાદી સંગઠનોને આશ્રય આપવાનું બંધ કરવાનો અને તેની જમીનનો ઉપયોગ ભારત વિરુદ્ધ ન થવા દેવાનો છે.