રિપોર્ટ@દેશ: રવિન્દ્ર જાડેજાની રાજકારણમાં એન્ટ્રી, ભારતીય જનતા પાર્ટીના સભ્ય બન્યા
જાડેજાએ ભાજપનું સભ્ય પદ મેળવતા વિવાદ થવાની શક્યતા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ક્રિકેટ ટીમના દિગ્ગજ ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા રાજકારણમાં સામેલ થયા છે. તે ભારતીય જનતા પાર્ટીના સભ્ય બન્યા છે. મહત્ત્વપૂર્ણ છે કે જાડેજાની પત્ની રિવાબા જાડેજા જામનગરમાં ભાજપના ધારાસભ્ય છે. રિવાબાએ તાજેતરમાં સોશિયલ મીડિયા દ્વારા જાડેજાના સભ્ય બનવાની જાણકારી શેર કરી છે. રિવાબાએ એક પોસ્ટ દ્વારા જણાવ્યું કે રવિન્દ્ર જાડેજા ભાજપના સભ્ય બન્યા છે.મહત્ત્વપૂર્ણ છે કે રવિન્દ્ર જાડેજાએ ટી-20 વર્લ્ડકપ 2024 બાદ આ ફોર્મેટમાંથી સંન્યાસ લઇ લીધો છે.
જાડેજાએ ભાજપનું સભ્ય પદ મેળવતા વિવાદ થવાની શક્યતા છે. રવિન્દ્ર જાડેજા પત્ની રિવાબા સાથે કેટલીક વખત ચૂંટણી કેમ્પેઇન પણ કરી ચુક્યો છે. તે ચૂંટણી દરમિયાન પત્ની રિવાબા સાથે ભાજપનો પ્રચાર કરતો જોવા મળ્યો હતો. રવિન્દ્ર જાડેજાએ જામનગરમાં કેટલીક વખત રોડ શો પણ કર્યો હતો. જાડેજાની પત્ની રિવાબા જામનગર ઉત્તર બેઠક પરથી ધારાસભ્ય છે. હવે રવિન્દ્ર જાડેજાએ ભાજપનું સભ્ય પદ લીધુ છે. રિવાબાએ એક્સ પર એક પોસ્ટ શેર કરતા લખ્યુ, રવિન્દ્ર જાડેજા ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય બની ગયા છે.
ટી-20 વર્લ્ડકપ 2024 બાદ રિવાબા અને રવિન્દ્ર જાડેજાએ ટીમ ઇન્ડિયા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. જાડેજાનું ટીમ ઇન્ડિયા માટે શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. જાડેજાનો આંતરરાષ્ટ્રીય રેકોર્ડ સારો રહ્યો છે. રવિન્દ્ર જાડેજાએ ભારત માટે 74 ટી-20 મેચ રમી છે. આ દરમિયાન 515 રન બનાવ્યા છે અને તેને આ ફોર્મેટમાં 54 વિકેટ પણ ઝડપી છે. રવિન્દ્ર જાડેજા ટી-20 વર્લ્ડકપ જીત્યા બાદ આ ફોર્મેટમાંથી સંન્યાસ લઇ ચુક્યો છે. જોકે, જાડેજા ભારત માટે વન ડે અને ટેસ્ટ મેચ રમવાનું ચાલુ રાખશે.