રિપોર્ટ@દેશ: ચૂંટણી પરિણામ બાદ રૂપાણીનો મોટો ધડાકો, શું કહ્યું? જાણો વિગતવાર

 
રૂપાણી

ગુજરાતમાં ક્લીન સ્વીપને બદલે એક બેઠક ગુમાવી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દેશનું મહત્વનું રાજ્ય પંજાબમાં કૂલ 13 પૈકી ભાજપને એક બેઠક પણ મળી નથી. જ્યારે કોંગ્રેસને સૌથી વધારે 7 બેઠકો તથા ઈ.ડી.એ જેની ભ્રષ્ટાચારના ગુનામાં ધરપકડ કરી તે કેજરીવાલના પક્ષ આમ આદમી પાર્ટીને પણ પંજાબના મતદારોએ 3 બેઠક પર વિજય અપાવ્યો છે. ત્યારે પંજાબમાં ભાજપના પ્રભારી અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ અંગે પૂછતા જણાવ્યું કે પંજાબમાં ભાજપ વિરુધ્ધ ખેડૂતોનો રોષ હતો, સરકાર સામે કિસાન આંદોલન ચાલી રહ્યું છે, પંજાબમાં આમ પણ ભાજપને જીતવું મુશ્કેલ જ હતું, કેટલાક ગામોમાં તો ખેડૂતો ભાજપને પ્રવેશવા પણ દેતા નહોતા.

રામ જન્મ ભૂમિમાં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છતાં અયોધ્યા સહિતની બેઠકો પર કારમો પરાજ્ય કેમ મળ્યો તે અંગે તેમણે કહ્યું કે 'ઉત્તરપ્રદેશમાં પક્ષ માટે કોઈ મોટો પ્રોબ્લેમ છે, હાલ કશું કહી શકાય નહીં પણ થોડા દિવસોમાં તે જાણી શકાશે.' ભાજપને સમગ્ર દેશમાં બહુમતિ મળી નથી. જ્યારે વારંવાર 400 પારની વાતો થતી હતી. તે અંગે રૂપાણીએ કહ્યું કે ભાજપ દિલ્હીમાં સાતેય બેઠકો મળી તો મુંબઈમાં જ માત્ર એક બેઠક મળી, ઉત્તરપ્રદેશમાં મોટું નુક્શાન ગયું. ગુજરાતમાં ક્લીન સ્વીપને બદલે એક બેઠક ગુમાવી. ત્યારે એકંદરે આ પરિણામ ભાજપ માટે આશ્ચર્યજનક છે, આવું કોઈએ ધાર્યું ન્હોતું.

ચૂંટણી પહેલા 400 પારનોં નારો તો મોવડી મંડળે ઉપરથી સમગ્ર દેશમાં આપ્યો હતો. 'ગુજરાતમાં પાંચ લાખની લીડનું સપનું સાકાર નથી થયું અને સૌરાષ્ટ્ર- કચ્છની આઠ બેઠકમાંથી તો એક પણ બેઠક પર પાંચ લાખની લીડ મળી નથી. તે અંગે તેમણે ઉમેર્યું કે 'પ્રદેશ ભાજપ પ્રમુખે પાંચ લાખની લીડનો લક્ષ્‍યાંક કાર્યકરોને આપ્યો હતો પરંતુ, આવો લક્ષ્‍યાંક આપવાની જરૂર જ નહોતી. કારણ કે અતિ ઉંચો લક્ષ્‍યાંક અપાયતો તેની સાથે વાસ્તવિક પરિણામની સરખામણી થતી હોય છે.