રિપોર્ટ@દેશ: ભાજપના સિનિયર નેતાના દાવાથી રાજકારણ ગરમાયું, કોંગ્રેસે જાહેરમાં માફી માંગવા કહ્યું

 
રાજકારણ

ભાજપ નેતાનું આ નિવેદન દેશમાં ભય અને અસ્થિરતા સર્જી શકે છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભાજપના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશના મંત્રી કૈલાશ વિજયવર્ગીય ભારતમાં પણ આગામી 30 વર્ષ બાદ ગૃહયુદ્ધ શરૂ થઈ જવાની આગાહી કરતાં રાજકારણ ગરમાયું છે.હકીકતમાં રક્ષાબંધનના અવસર પર આયોજિત એક કાર્યક્રમને સંબોધન કરતી વખતે કૈલાશ વિજયવર્ગીયએ જણાવ્યું હતું કે, હાલના સમયમાં સામાજિક સંવાદિતાની જરૂર છે. તાજેતરમાં જ સામાજિક કાર્યોમાં સક્રિય એવા નિવૃત સૈન્ય અધિકારી સાથે મારી વાત થઈ હતી.

તેઓએ જણાવ્યું હતું કે, જે રીતે આપણા દેશમાં ડેમોગ્રાફી બદલાઈ રહી છે, તેના કારણે 30 વર્ષ બાદ ગૃહયુદ્ધ ફાટી નીકળશે. એવી સ્થિતિ સર્જાશે કે, તમે લોકો જીવી પણ નહીં શકો. વધુમાં ભાજપ નેતાએ જણાવ્યું કે, આ બાબતે આપણે ઊંડાણપૂર્વક વિચાર કરવો રહ્યો. હિન્દુ શબ્દને કેવી રીતે મજબૂત કરવો? તેના પર કામ કરવું જોઈએ. કેટલાક લોકો હિન્દુઓને જાતિના આધારે વિભાજિત કરવા માંગે છે, જેથી તેઓ અંગ્રેજોની 'ભાગલા પાડો અને રાજ કરો'ની નીતિનો ઉપયોગ કરીને સત્તા હાંસલ કરી શકે.

બીજી તરફ કૈલાશ વિજયવર્ગીયના આ નિવેદનથી રાજકારણ પણ ગરમાયું છે. વિજયવર્ગીયના દાવાની ટીકા કરતાં મધ્ય પ્રદેશના કોંગ્રેસ પ્રવક્તા નિલાભ શુક્લાએ જણાવ્યું કે, ભાજપ નેતાનું આ નિવેદન દેશમાં ભય અને અસ્થિરતા સર્જી શકે છે. જે શાંતિ અને ભાઈચારા પર પણ સવાલ ઉઠાવે છે. કેલાસ વિજયવર્ગીયએ જાહેરમાં માફી માંગવી જોઈએ.