રિપોર્ટ@દેશ: NEET પેપરલીક કેસમાં ચોંકાવનારો ખુલાસો, પટણા એઈમ્સના ચાર તબીબોની સંડોવણી
પેપર લીકના આખા નેટવર્કનો પર્દાફાશ કરવા તપાસનીશ એજન્સી મથામણ કરી રહી છે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મેડીકલના અભ્યાસમાં પ્રવેશ માટે લેવાતી 'નીટ' પરીક્ષામાં ગોટાળાના કાનૂની વિવાદ વચ્ચે આખા કેસમાં નવો ચોંકાવનારો ખુલાસો થયો છે. પેપર લીક કેસમાં સંડોવણી બદલ પટણા એઈમ્સના ચાર તબીબોની સીબીઆઈએ ધરપકડ કરતા ખળભળાટ સર્જાયો છે. નીટ પેપર લીક કેસમાં પટણા એઈમ્સના ચાર તબીબોની પુછપરછ માટે અટક કરવામાં આવી છે તે પૈકી ત્રણ ડોકટરોના રૂમ સીલ કરી દેવામાં આવ્યા છે અને તેમના લેપટોપ અને મોબાઈલ જપ્ત કરી લેવામાં આવ્યા છે.
સીબીઆઈએ પકડેલા ચારમાંથી ત્રણ તબીબો 2021ની બેચના છે જયારે ચોથા 2022ની બેચના છે. ચારેય પટણા એઈમ્સમાં અભ્યાસ કરી રહ્યા છે. નીટ કેસની તપાસ માટે પટણા એઈમ્સ પહોંચેલી સીબીઆઈની ટીમે હોસ્ટેલના રૂમની તલાશી લીધી હતી અને બાદમાં ધરપકડ કરી લેવામાં આવી હતી. ચાર તબીબોને સીબીઆઈ લઈ જતા અન્ય વિદ્યાર્થીઓએ વિરોધ પણ કર્યો હતો. પરંતુ સમજાવટ બાદ તેઓ શાંત થયા હતા. સીબીઆઈ કચેરીએ તબીબોની કલાકો સુધી પુછપરછ કરવામાં આવી હતી.નીટ પેપર લીકના આખા નેટવર્કનો પર્દાફાશ કરવા તપાસનીશ એજન્સી મથામણ કરી રહી છે. આ પુર્વે હઝારીબાગના સ્કુલ પ્રિન્સીપાલની સંડોવણી બહાર આવી હતી. આ સ્કુલમાંથી જ પેપર સૂત્રધાર સંજીવ મુખીયા સુધી પહોંચ્યાનું કહેવાય છે.